કચ્છ: જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાં ડેમ અને નદીઓ ઓવરફ્લો થઇ છે. ત્યારે તંત્રએ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની તૈયારીઓ કરી છે. ભુજ મામલતદાર સી. જે પ્રજાપતિએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
ભુજના મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગની જવાબદારી સંભાવનાર સી. જે પ્રજાપતિએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં અનેક ગામો શહેરોમાં 10થી 12 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ભારે વરસાદની શકયતા છે. જેના પગલે જિલ્લામાં તમામ સ્થિતિની પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
- કચ્છમાં છેલ્લા 24 કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ
- કચ્છમાં એન.ડી.આર.એફની એક ટીમ તૈનાત કરાઇ
- જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ સંકલન ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ઉપરાંત દરેક ગામના તલાટીઓએ હાજર રહેવાની સાથે તમામ સ્થિતિ પર નજર રાખવા સુચના આપવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદના કારણે વિવિધ કોઝ વે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. આવા સમયે કોઈ જાનહાનિના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.
કચ્છમાં એન.ડી.આર.એફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ભુજ સહિતની તમામ શહેરોની ફાયર ટીમ, સ્થાનિક વિવિધ એજન્સીઓની રેસ્કયું ટીમને સંકલન સાથે તૈયાર રાખવામાં આવી છે. કચ્છ જિલ્લાના તમામ નાના મોટા ડેમ તળાવો પર સતત મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જે બાદ જિલ્લામાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો.