ભુજ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવનો પ્રારંભ
- હિંડોળા દર્શનમાં સામાજિક અંતર, સેનેટાઈઝેશન સહિતની વ્યવસ્થા
- સુવર્ણ અને ચાંદીના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવી રહ્યાં છે
- એક માસ સુધી ચાલે છે હિંડોળા મહોત્સવ
કચ્છઃ કોરોના મહામારીને કારણે લગાવેલા લોકડાઉનમાં મંદિરો બંધ કરાયા હતા. જો કે અનલોક-2માં ઘણા સ્થળોએ મંદિરો ખુલ્યા છે. તેમજ સમગ્ર દેશ ધમધમી રહ્યો છે, સાથે કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં મંગળવારથી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ભુજમાં સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ શુશોભિત હિંડોળામાં ભગવાનને જુલાવવામાં આવશે.
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી દ્વારા આરતી સાથે આ મહોત્સવને ખુલ્લો મુકાયો છે. કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ભગવાનને હિંડોળા ઝુલાવવા ભાવપૂર્વક પહોંચે છે. દર વર્ષ આ મહોત્સવને ખૂબ જ ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે, તેમજ વિવિધ આયોજન કરાય છે. આ વર્ષે કોરોના મહામારી ચાલી રહી છે તેમછતાં આ સ્થિતિમાં પણ મંદિર દ્વારા હિંડોળા મહોત્સવનું આયોજન કરાયું છે. જો કે અન્ય કોઇપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. હાલ સુવર્ણ અને ચાંદીના હિંડોળામાં ભગવાનના દર્શન થઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં વધુ હિંડોળા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
સુખદેવ સ્વરૂપ સ્વામીએ etv ભારતને જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ છે તે હિંડોળા મહોત્સવ એક માસ સુધી ચાલે છે ભગવાનને હિંડોળે ઝુલાવતા દર્શન કરીને ભાવિકો આનંદ અનુભવે છે. આ વર્ષ હિંડોળા દર્શનમાં સામાજિક અંતર, સેનેટાઇઝેન સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.