કચ્છ : કચ્છ સહિત ગુજરાત ભરની આંગણવાડીઓમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને સગીરાઓ માટેના પૂરક પોષણના ભ્રષ્ટાચાર નવી વાત નથી, ત્યારે હવે આગામી સમયમાં ભ્રષ્ટાચાર નિવારવા ઉપરાંત ચોક્કસ લાભાર્થીઓને લાભ મળે અને સરકારી આયોજન યોગ્ય રીતે થાય તે માટે જિલ્લામાં આવેલી આંગણવાડીઓના 2.24 લાખ લાભાર્થીઓના આધાર લીંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આધાર ન હોય તેવા લાભાર્થીઓને આધાર બનાવવા માટે ખાસ કીટ પણ ફાળવવામાં આવી છે.
જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર ઇરાબેન ચૌહાણે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની સૌથી મોટી બીજી યોજના પર કામ થયું હોય તો તે મહિલા બાળ વિકાસનું છે. 24 કરોડનું બજેટ ધરાવતી આ યોજના 0 થી 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ 11થી 18 વર્ષની કિશોરીઓને પૂરક પોષણ આપવામાં આવે છે. જેમાં દરેક દીઠ દિવસનો રૂપિયા નવનો ખર્ચ થાય છે. હવે આ લાભાર્થીઓને વ્યાજબી રીતે ચોક્કસ લાભ મળે તે જરૂરી છે અને તેમાં ભ્રષ્ટાચાર સહિતની બાબતોની ચકાસણી સૌથી મોટો પ્રશ્ન છે. જેથી હવે લાભાર્થીઓના આધારકાર્ડ લિંક કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.