કચ્છ: સરહદી જિલ્લા કચ્છના અંજાર શહેરથી આશરે 18 કિલોમીટર દૂર આ ભીમાસર ગામ આવેલું છે. ETV ભારતની ટીમ જયારે ભીમાસર પહોંચી ત્યારે વિશ્વાસમાં ન આવ્યું કે આ ગામ 2001 માં આવેલા ભયાનક ભૂકંપમાં તબાહ થઇ ગયું હતું. ગામના લોકો દ્વાર જાણવા મળ્યું કે ભીમાસર ગામનું ટાઉન પ્લાનિંગ મેનેજમેન્ટ શહેરોના ટાઉન પ્લાનિંગને પણ પાછળ છોડી દે તેવું છે અને સુવિધાઓ માટે પણ પંચાયત અને ગામના લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવે છે.
ભૂકંપ બાદ ગામનું પુનર્વસન: વર્ષ 2001 ના ગોઝારા ભૂકંપે ગામને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હતું. ગામના લોકોએ અને અગ્રણીઓએ ગામને એક મોડેલ ગામ ઉભું કરવાનું નક્કી કર્યું હતું અને વર્ષ 2004 માં તેનું પુનર્વસન કરવામાં આવ્યું હતું. ભીમાસર ગામના સામાજિક અગ્રણી વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, '2001 માં ગોઝારો ભૂકંપ આવ્યુ હતું ત્યારે ગામમાં 19 જણા મૃત્યુ પામ્યા હતાં. ત્યાર બાદ 2004 માં ગામના લોકોએ નક્કી કર્યું હતું કે આપણા ભવિષ્ય માટે તેમજ આવનારી પેઢી માટે કંઇક નવું કરી શકીએ તે માટે ક્યાંક જવું જોઈએ જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય જેના માટે ગામમાં એક મિટિંગ કરવામાં આવી અને પુનર્વસન માટે નક્કી કરવામાં આવ્યું હતું.'
ગામનું ટાઉન પ્લાનિંગ મેનેજમેન્ટ મજબૂત: આજે આ ગામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મભારતના સપનાને સાકાર કરી રહ્યું છે. ભીમાસર ગામે અન્ય ગામો અને શહેરો માટે એક ઉદાહરણ ઊભું કર્યું છે કે પંચાયતમાં વસૂલાતી સંચિત કરવેરાની આવકનો ઉપયોગ કરીને કંઈ રીતે આખા ગામનો વિકાસ કરી શકાય.વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, 'ગામના વિકાસના કાર્યો શરૂ કરવામાં આવતા અને ગામને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. ભૂકંપના સમયે અનેક NGO સહયોગ માટે તેમજ ગામને ફરી બેઠું કરવા આગળ આવ્યા જેમાં સહારા વેલફેર ફાઉન્ડેશન ગ્રુપ જેની મુખ્ય ઓફિસ લખનઉ હતી તેના અધિકારીઓ અહીં આવ્યા હતા અને તેમના દ્વારા આ ગામના પુનર્વસન માટે વાત કરવામાં આવી હતી. આધુનિક સુવિધાઓની શરતોને આધીન સહારા ફાઉન્ડેશન ગ્રુપ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. MoU બાદ અમે લોકોએ કલ્પના નતી કરી તેવી આધુનિક સુવિધાઓ અહીં વિકસાવવામાં આવી.'
40 વર્ષથી નથી બની ચોરીની ઘટના: ભીમાસર ગામમાં પ્રવેશ કરો એટલે સમજો કે તમે સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહ્યા છો. સમગ્ર ગામમાં સુરક્ષાના હેતુથી સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, ' ભીમાસર ગામ એક ઔધોગિક વિસ્તાર છે અને પરપ્રાંતીય લોકો પણ અહીં વસવાટ કરે છે. ગામ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યું છે કે બહારથી આવતા લોકો જો પોતાના પરિવાર સાથે અહીં રહેવા આવે છે અને કામ કરે છે તો તેમને આ ગામમાં રહેવા મળે છે અને જો એકલા રહેવા આવતા હોય છે તો પહેલા એક જૂનું ગામ હતું ત્યાં આવા પરપ્રાંતીય લોકોને ભાડે રહેવા માટે આપવામાં આવે છે. ગુનાની પ્રવૃત્તિઓ અહીં થતી જ નથી કારણ કે એક તો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજું 100 ટકા તમામ રોડ લાઈટ ચાલુ રાખવામાં આવે છે તો રાત્રિના ચોકીદારો પણ ચોકી કરે છે. છેલ્લાં 40 વર્ષોમાં ભીમાસર ગામમાં ચોરીનો કોઈ બનાવ બન્યો નથી.
સબકા સાથ, સબકા વિકાસ: ભીમાસરમાં પ્રાથમિક સુવિધાઓ જે રીતે વિકસાવવામાં આવી છે તે જોઈને લાગે કે આવી સુવિધાઓ તો શહેરોમાં પણ નહિ જોવા મળે. સામાજિક અગ્રણી વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, 'ભૂકંપ આવ્યો ત્યાર બાદ પુનર્વસન માટે સૌપ્રથમ થોડાક દિવસો માટે રહેવા કરવાની ખાવા પીવાની સુવિધાઓ માટે કામ કરવામાં આવ્યું અને તેમાં પણ એનજીઓનો પૂરતો સાથ મળ્યો ત્યાર બાદ જ્યારે ટાઉન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સૌ પ્રથમ બેંક, શાળા, પંચાયત કચેરી, પોસ્ટ ઓફિસ વગેરે જેવી માળખાગત સુવિધાઓ ક્યાં ઊભી કરવી કંઈ રીતે કરવી એ જુદી જુદી મીટીંગોમાં બેસીને નક્કી કરીને પ્લાન કરવામાં આવ્યું.
પાણીની સમસ્યાનું કાયમી નિવારણ: વર્ષોથી કચ્છમાં પાણીની સમસ્યાઓ રહેલી છે. ભીમાસર ગામમાં જયારે ભારતની ટીમ પહોંચીને પાણીની કરેલી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. ભીમાસરમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી દેખાય છે જે ગામને ખુબ જ સુંદર બનાવે છે. ગામના સ્થાનિક હરેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, 'આ ગામમાં નર્મદાનું પાણી મળી રહ્યું છે તો ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 6-7 તળાવ પણ છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતાં 1-2 વર્ષ પાણી પણ ચાલે છે. અહીં હાલમાં પહોળા રસ્તાઓ છે,રસ્તાની બંને બાજુ લીલાછમ વૃક્ષો છે. અહીં દર વર્ષે 1500 જેટલાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનો ઉછેર કરવામાં આવે છે.'
ગ્રામ પંચાયતને નિર્મળ ગામ, શ્રેષ્ઠ પંચાયત સહિત અનેક એવોર્ડ: ભીમાસર ગામમાં પ્રવેશ કરતા જ ઉડીને આંખે વળગે તેવી ગામની સ્વચ્છતા જોવા મળે છે. ગ્રામ પંચાયતને અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે. ગમન સરપંચ જણાવે છે કે, 'ભીમાંસર ગ્રામ પંચાયતને ભારત સરકાર, ગુજરાત સરકાર, કચ્છ નવનિર્માણ અભિયાન, નાયબ કલેકટર અંજાર, તેમજ કચ્છ જિલ્લા પંચાયત દ્વારા અનેક એવોર્ડ મળ્યા છે. જેમાં વર્ષ 2006માં સમરસ પંચાયત એવોર્ડ, 2008માં નિર્મળ ગ્રામ પુરસ્કાર, 2011માં સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર, 2013માં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, 2014માં મહિલા પાણી સમિતિ એવોર્ડ, 2015માં સ્વચ્છ ગ્રામ પુરસ્કાર, 2018માં સુશાસન પંચાયત, 2018માં બેસ્ટ વી.સી.ઈ., 2021માં 100 ટકા કોવિડ રસીકરણ, 2021માં ગુજરાત પોષણ અભિયાન, 2022 માં પં.દિનદયાલ પંચાયતીરાજ સશક્તિકરણ રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે.
આ પણ વાંચો Kutch News : લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે શા માટે કહેવાય છે ગુજરાતનું મોડેલ ગામ જાણો