- ભૂજની ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
- કચેરીનો આઉટ સોર્સિંગ સર્વેયરે તેના ખાનગી વ્યક્તિ મારફતે લાંચ માગી હતી
- આરોપીએ જમીન માપણી પેટે 4,000 રૂપિયાની લાંચ માગી હતી
કચ્છઃ ભૂજની ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ (DILR) કચેરીનો આઉટ સોર્સિંગ સર્વેયર તેના ફોલ્ડર (ખાનગી વ્યક્તિ) મારફતે 4,000 રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આરોપીએ જમીન માપણી પેટે 4,000 રૂપિયાની લાંચ માગી હતી. એટલે ACBએ છટકું ગોઠવી કચેરીના સર્વેયર અને વચેટિયાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ
જમીન માપણી કરવા DILRમાં ઓનલાઈન અરજી અને પેમેન્ટ કર્યું હતું
આરોપીઓએ માલિકીની જમીનના સરવે નંબરની માપણી કરવા પેટે લાંચ માંગી હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, માંડવી તાલુકાના ગોધરા ગામના ફરિયાદીએ પોતાની માલિકીની જમીનના સરવે નંબરની માપણી કરવા D.I.L.Rમાં ઓનલાઈન અરજી તથા તેનું પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ આ કામ માટે વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજાની આ સરવે માટે નિયુક્તિ કરવામાં આવી હતી. તે દરમિયાન વિક્રમસિંહના વચેટિયા મઝહર હુસેન નસિરુદ્દીન અન્સારીએ અરજદારને ફોન કરી વિક્રમસિંહ વતી લાંચ પેટે 4,000 રૂપિયાની માગણી કરી હતી.
આ પણ વાંચો- ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
માંડવીના ગોધરા ગામમાંથી આરોપીની ધરપકડ
આ સમગ્ર બાબતે અરજદારે ભૂજ એસીબી કચેરીનો સંપર્ક કરતાં આજે એસીબીએ માંડવીના ગોધરા ગામમાં છટકું ગોઠવી વિક્રમસિંહ અને મઝહર હુસેનને લાંચની માગણી કરી તેને સ્વિકારતાં પકડી પાડ્યા હતા. આ સમગ્ર ટ્રેપિંગની કાર્યવાહી ટ્રેપિંગ અધિકારી એમ. જે. ચૌધરી તથા એ.સી.બી. બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.