કચ્છ: વાવાઝોડા બાદ અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું સર્વે કરવામાં આવી રહ્યું છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય આપી શકાય. જે અંતર્ગત આજે કૃષિ અને પશુપાલન પ્રધાન રાઘવજી પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે છે. જિલ્લાના નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને અંજાર તાલુકાઓના બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ રહ્યા છે.
બાગાયતી પાકોમાં નુકસાની અંગેનો તાગ મેળવ્યો: કૃષિપ્રધાન રાઘવજી પટેલે આજરોજ નખત્રાણા તાલુકામાં વેરસલપર તેમજ ગઢશીશામાં વરઝડી વિસ્તારની વાડીઓમાં વાવાઝોડાના લીધે થયેલ બાગાયતી પાકોમાં નુકસાની અંગેનો તાગ મેળવવા નિરીક્ષણ કર્યું હતું. તેમને ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર સાથે અન્ય તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સાથે જ અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ સાથે જોડાયા હતા.
ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ: ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા મુજબ જિલ્લાના 33,000 હેક્ટરમાં બાગાયતી પાકોને નુકસાની થઈ છે. ખેડૂતોની 25થી 30 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. ખાસ કરીને મુન્દ્રા તાલુકામાં કચ્છી મેવો તરીકે ઓળખાતી ખારેકના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ખારેક, કેરી, દાડમ, કેળા,પપૈયા જેવા પાકોનું ઉત્પાદન આવતા પણ 7થી 8 વર્ષનો સમય લાગે છે ત્યારે કચ્છના ખેડૂત એક પેઢી પાછળ ખસી ગયા તેવું કહી શકાય.
યોગ્ય વળતર ચૂકવવાની માંગ: કચ્છના પ્રગ્રતિશિલ ખેડૂતોની મહેનત પર વાવાઝોડાએ પાણી ફેરી દેતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો વાવાઝોડા અગાઉ આવેલ કમોસમી વરસાદ અને બરફના વરસાદના લીધે અગાઉ પણ ખેડૂતોને નુકસાની થઈ હતી. ફરી વાવાઝોડાના કારણે મોટા પાયે ખેડૂતોને નુકસાની થઈ છે. અગાઉ પણ અનેક વખત સરકાર દ્વારા ગ્રામસેવક મારફતે નુકસાની અંગે સર્વે કરવામાં આવ્યો છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને મળી નથી. વાવાઝોડાથી થયેલ 1 વર્ષની આવકની નુકસાની અંગે સરકાર યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોએ માંગણી કરી છે.
સમીક્ષા બાદ મીડિયાને સંબોધશે કૃષિપ્રધાન: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કચ્છના તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા બાદ સાંજે 4:30 વાગ્યે ભુજ કલેકટર કચેરી કચેરી ખાતે કચ્છ કલેકટર, જુદાં જુદાં સંબધિત વિભાગોના અધિકારીઓ અને કચ્છના જનપ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક યોજશે અને ત્યારબાદ કચ્છમાં વાવાઝોડાથી થયેલ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને સમીક્ષા અંગે રાઘવજી પટેલ મીડિયા પ્રતિનિધિઓને સંબોધન કરશે.
મોટા પાયે નુકસાન : ચક્રવાતના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્ય ઉદ્યોગમાં નુકસાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે. આ કુદરતી આફતના કારણે બાગાયતી પાક લેતા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પુરતું વળતર અપાશે : બાગાયતી પાકોમાં થયેલા નુકસાનમાં પડી ગયેલા ઝાડોને ફરી થી સજીવન કરી શકાય એમ હોય તેવા કિસ્સામાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ખેડૂતોને થયેલી નુકસાનીનો યોગ્ય સર્વે કરીને પૂરતું વળતર આપવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારી હતી. વેરસલપર ખાતે તાલુકાના ખેડૂતો સાથે રાઘવજી પટેલે સીધો સંવાદ કરીને આ કપરી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે હોવાની હૈયાધારણા આપી હતી તથા ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા.
પડી ગયેલા વક્ષોના નિકાલ થશે : તેમજ પડી ગયેલા ખારેકના ઝાડોનો વહેલામાં વહેલી તકે કઈ રીતે નિકાલ કરી શકાય તેમજ ખેડૂતોને ઝડપથી બેઠા કરવા શું કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં પાંજરાપોળને થયેલા નુકસાન અંગે પણ સંચાલકોએ રજૂઆત કરી હતી. આ સાથે ખેડૂતોએ ખારેકના મધર પ્લાન્ટના ટીશ્યુ રોપા વહેલામાં વહેલી તકે ખેડૂતોને મળી રહે તો તે ઝડપથી બેઠા થઈ શકે અને આ કામગીરીમાં સરકાર સહયોગ આપે તે અંગે રજૂઆત કરી હતી. તો કૃષિ પ્રધાનના હસ્તે મકાન સહાય તેમજ મૃત પશુસહાયના પ્રતિકાત્મક ચેક ગ્રસ્તોને આપવામાં આવ્યા હતા.