- કચ્છનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ભુજમાં
- ભુજ APMCમાં શેડનું આયોજન
- 14 એકરમાં કુલ 3 શેડનું આયોજન કરાયું
કચ્છ: અષાઢ માસના પ્રારંભથી જ કચ્છમાં વરસાદનું આગમન થઇ ગયું છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી કચ્છના અનેક વિસ્તારોમાં 1થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ વરસાદથી ખેડૂતો તથા માલધારી વર્ગમાં આનંદની લાગણી વ્યાપી છે, ત્યારે આ વરસાદની ઋતુમાં ભુજના APMC માર્કેટ યાર્ડ ખાતે અનાજ, ખેતપેદાશો અને શાકભાજીઓ વરસાદી પાણીથી પલળે નહીં તે માટે 14 એકરમાં 3 શેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
માર્કેટ યાર્ડ ખાતે 3 શેડ ફાળવાયા
કચ્છનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ભુજમાં આવેલું છે. ભુજ તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી સારો એવો વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેડૂતોના પાકને નુકસાન ન થાય અને વેપારીઓને નુકસાન ન થાય તે માટે અલાયદી શેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેપારીઓ લાંબા સમય સુધી ખેડૂતોના પાકને સંગ્રહિત કરી શકશે. ભુજ APMC માર્કેટ યાર્ડ ખાતે વરસાદથી અનાજ ખેતપેદાશોના પાક બગડે નહી તે માટે અનાજ વિભાગ માટે યાર્ડમાં 14 એકરમાં 3 શેડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે શાકભાજી વિભાગ માટે 5 એકરમાં અલગ વિભાગ ફાળવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કચ્છના તમામ માર્કેટયાર્ડ 21મીથી શરૂ કરવા બેઠક, નિયમોનું ચોક્કસાઈથી પાલન મુખ્ય રહેશે
ભુજ APMC માર્કેટમાં 200 જેટલા ગોડાઉન બનાવાયા
ભુજ APMC માર્કેટ યાર્ડમાં અત્યાર સુધી તબક્કાવાર 200 જેટલા ગોડાઉન બનાવવામાં આવ્યા છે તથા તમામ વેપારીઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે કે, લાંબા સમય સુધી ચોમાસા દરમિયાન વેપારીઓ આ ગોડાઉનમાં પોતાનો પાક અને અનાજનો જથ્થો સુરક્ષિત રાખી શકે.
14 એકરમાં જે 3 શેડની વ્યવસ્થા કરાઇ
આ ઉપરાંત APMCમાં 14 એકરમાં જે 3 શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની ક્ષમતા 5000 મેટ્રિક ટનની છે. આ શેડ જાહેર જનતા, વેપારીઓ તેમજ ખેડૂતોના ઉપયોગ માટે રાખવામાં આવ્યા છે. ઉપરાંત વેપારીઓ આ શેડમાં લાંબા સમય સુધી અને વિના મૂલ્યે અહીં પોતાનો માલ સુરક્ષિત રાખી શકે છે અને ધંધો રોજગાર ચલાવી શકે છે.
આ પણ વાંચો: ભુજમાં ડુંગળીના જથ્થાબંધ વેપારીઓને ત્યાં તપાસ પુરવઠાની ટીમો ત્રાટકી
જાણો શું કહ્યું સેક્રેટરીએ?
ભુજ APMC માર્કેટ યાર્ડના સેક્રેટરી શંભુ ભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે વરસાદના કારણે અનાજને નુકસાન ન થાય તે માટે યાર્ડમાં શેડનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વેપારીઓ અને ખેડૂતો લાંબા સમય સુધી પોતાનો માલ સુરક્ષિત રાખી શકશે.