કચ્છ : પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાંથી ફરી એકવાર ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. કરોડો રૂપિયાનો બિનવારસી ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. પૂર્વ કચ્છ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. 80 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 800 કરોડ આસપાસ આંકવામાં આવી રહી છે. FSL ની પ્રાથમિક તસવીરમાં આ ડ્રગ્સ કોકેઇન હોવાનું બહાર આવ્યું છે.
પૂર્વ કચ્છ પોલીસની કામગીરી : છેલ્લા થોડા દિવસથી જિલ્લાની બ્રાન્ચ તથા પોલીસ સ્ટેશન તરફથી ડ્રગ્સના કેસ માટેની પેટ્રોલિંગ ચાલુ હતી. તે દરમિયાન પૂર્વ કચ્છ LCB ગાંધીધામને બાતમી મળી હતી કે, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાઈ કાંઠાના ગામોમાં ડ્રગ્સ તેમજ અન્ય નશીલા માદક પદાર્થોના મોટા જથ્થાની હેરાફેરી થવાની શક્યતા છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન મુજબ LCB, SOG તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી દરિયાઈ કાંઠાના ગામોમાં સઘન ચેકીંગ તેમજ કોમ્બીંગની કામગીરી કરવામાં આવી હતી.
ડ્રગ્સનો જથ્થો ઝડપાયો : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીધામમાં શંકાસ્પદ લોકોની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન પૂર્વ કચ્છ LCB બાતમી મળી હતી કે, મીઠીરોહર દરીયા કિનારે અમુક ઈસમો ડ્રગ્સનો જથ્થો સગેવગે કરવાની તૈયા૨ીમાં છે. જે આધારે પૂર્વ કચ્છની વિવિધ શાખાના પોલીસ ટીમ દ્વારા બાતમીના સ્થળે ચેકીંગ કરતા અંદાજે 80 કિલોગ્રામ ડ્રગ્સના પેકેટ કબ્જે કરવામાં આવ્યા હતા.
800 કરોડનું કોકેઈન : આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 800 કરોડ છે. આ ડ્રગ્સની FSI દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા કોકેઈન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન એન.ડી.પી.એસ. કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ડ્રગ્સના દુષણને ડામવા ઝૂંબેશ : ગુજરાત સ૨કાર તથા રાજયનાં પોલીસવડા વિકાસ સહાય દ્વારા ડ્રગ્સની બદીને સદંતર નાબુદ કરવા બાબત કટીબદ્ધ છે. જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફ્થી ડ્રગ્સની પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને NO DRUGS IN EAST KUTCH CAMPAIGN ચલાવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા LCB, SOG તથા તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવા તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સથી માહિતી મેળવી એન.ડી.પી.એસ.ના કેસ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવ્યા હતા.