- વાવાઝોડાની ચેતવણીનાં પગલે માછીમારી પર પ્રતિબંધ મુકાયો
- હજુ પણ 34 બોટો અને 170 માછીમારો દરિયામાં
- દરિયાકાંઠે અત્યાર સુધીમાં 496 બોટ પરત ફરી ચૂકી છે
કચ્છ: રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની સંભવિત ચેતવણીના પગલે કચ્છમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે, વાવાઝોડાની અસર તળે દરિયો તોફાની બનવાની આગાહીના પગલે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે, કચ્છમાંથી માછીમારી કરવા માટે ગયેલી બોટને પરત બોલાવવાની પ્રક્રિયા પણ આરંભી દેવામાં આવી છે. તે અંતર્ગત અત્યાર સુધીમાં 496 બોટ પરત ફરી ચૂકી છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતના દરિયામાં તૌકતે વાવાઝોડાના કારણે કરંટ જોવા મળ્યો
માછીમારી પ્રતિબંધની સૂચનાનું ઉલ્લંઘન કરનાર બોટ માલિક વિરુદ્ધ કાર્યવાહી
દરિયામાં હજી સુધી 34 બોટ અને 170 માછીમારો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે, 12 નોટિકલ માઇલના વિસ્તારમાં રહેલી બાકીની ફિશિંગ બોટ શનિવારની સાંજ સુધી પરત આવી જશે. આ દરમિયાન, માછીમારી પર પ્રતિબંધની સૂચનાનું ઉલ્લંઘન કરનાર બોટ માલિક વિરુદ્ધ નિયમો અનુસાર કડક કાર્યવાહી કરી લાયસન્સ અને ડીઝલ કાર્ડ રદ કરવા સહિતના પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો: નવસારીમાં તૌકતે વાવાઝોડાની અસર: 16 ગામોને એલર્ટ કરાયા
દરિયામાં રહેલી બોટનું રાઉન્ડ ધી ક્લોક મોનીટરીંગ
11થી 13 મે દરમિયાન 496 બોટ પરત ફરી ચૂકી છે. ત્યારે, વાવાઝોડાની સંભવિત ચેતવણીના પગલે તમામ સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે અને હજી દરિયામાં રહેલી બોટના ખલાસીઓ સાથે સતત સંપર્ક કેળવી પરિસ્થિતિનો રાઉન્ડ ધી ક્લોક મોનીટરીંગ પણ મત્સ્ય ઉદ્યોગના નિયામક દ્વારા કરવામાં આવી રહ્યું છે.