- અનાથ બાળકોને અન્ય સહાયનો પણ અગ્રતાના ધોરણે લાભ અપાશે
- કચ્છમાં 26 બાળકો બન્યા અનાથ, સરકાર દર મહિને 4 હજારની સહાય આપશે
- અનાથ બાળકોના વાલીની ભૂમિકા ભજવશે સરકાર
કચ્છ : કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) દરમિયાન ઘણા બાળકોના માતા-પિતા સંક્રમિત થયા હતા. કેટલાક કિસ્સાઓમાં તો સમગ્ર પરિવાર જ કોરોનાની ઝપેટમાં આવી ગયો હોવાનું સામે આવ્યું હતું. નાની વયે ઘણા બાળકોના માતા-પિતાને કોરોનાએ છીનવી લીધા છે. જે બાળકોએ કોરોનામાં તેમના માતા-પિતા કે માતા અથવા પિતાને ગુમાવ્યા છે. આવા બાળકોને સરકારે હૂંફ આપવાનો પ્રયાસ કર્યો છે.
60 બાળકોએ માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી
જિલ્લામાં માર્ચ 2020 પછી જેમણે માતા-પિતા ગુમાવ્યા હોય તેવા 22 બાળકોને પાલક માતા-પિતાનો લાભ અપાયો છે. તેમજ બીજી લહેરમાં 4 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તો કુલ 60 બાળકો એવા છે જેઓએ માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલના તબક્કે 26 બાળકોને બાળ સેવા યોજનાનો લાભ મળશે. બાકી 60 બાળકોની નોંધ થઈ છે.
જાણો શું કહ્યું આસિસ્ટન્ટ કલેક્ટરે ?
આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં જિલ્લામાં 26 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. જેમને 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'નો લાભ અપાશે. જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, આઈસીડીએસ સહિતના વિભાગોને આવા બાળકો શોધવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
જાણો શું કહ્યું જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ ?
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરીયાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, કોરોના કાળમાં જે બાળકોના માતા-પિતા અવસાન પામ્યા હોય અથવા બાળકના એક વાલી કોરોના સમયગાળામાં અગાઉ અવસાન પામ્યા હોય અને બીજા વાલી પણ કોવિડની બિમારીથી અવસાન થયા હોય તેવા બાળકોને સહાય આપવા માટે સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મૂકી છે. જેના અંતર્ગત માતા-પિતા ગુમાવનારા બાળકોને દર મહિને 4000ની સહાય મળશે. બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી સહાય મળશે. કચ્છમાં આ માટે સર્વે કરાયો છે. જેમાં અત્યાર સુધીની વિગતો પ્રમાણે જિલ્લામાં 26 બાળકોને યોજનાનો લાભ મળશે.