ભુજ : જલારામ બાપાની 224મી જન્મ જયંતિની પૂર્વસંધ્યાએ રસિક કતિરા પાર્ટી પ્લોટમાં ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત 10 × 10 ફૂટ કુલ 100 ફૂટનો 224 કિલો લોટનો બાજરાનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો હતો. 224 કિલોના રોટલામાં બાજરાનો લોટ, ઘઉંનો લોટ, ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો ચારે બાજુથી રોટલો શેકવા વિશિષ્ટ ચૂલો તથા વિશાળ તવો તૈયાર કરવામાં આવ્યો હતો. સર્વે જ્ઞાતિજનોએ આ વિશાળ રોટલાના દર્શન પણ કર્યા હતા
જલારામ બાપાની 224મી જન્મજયંતિ : કારતક સુદ સાતમ એટલે કે આવતી કાલે સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જયંતિ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા 10 ફૂટ વ્યાસના ઘેરાવાનો બાજરાનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટ્યા હતા. સંત જલારામબાપાનો જન્મ 4,નવેમ્બર 1799ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતાં અને આજે પણ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર ચાલે છે.
ભુજ લોહાણા સમાજનું આયોજન ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન શ્રી ભુજ લોહાણા મહાજનના મંત્રી હિતેશ ઠકકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, રામ નામ મેં લીન, દેખત સબમેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામની ઉક્તિથી પ્રચલિત જલારામ બાપાની 224મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા સમાજ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.
જીતુભાઈ રસોયાની ટીમ દ્વારા જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નિમિત્તે 224 કિલોનો આ રોટલો બનાવવામાં આવ્યો છે. જેનો ઘેરાવો 10 ફૂટ અને જાડાઈ 4 ઈંચની છે તો કુલ 100 ફૂટનો આ રોટલો છે. જેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે...હિતેશ ઠકકર ( મંત્રી, શ્રી ભુજ લોહાણા મહાજન )
ચારે બાજુથી શેકવો એ પડકાર હતો : 224 કિલોના રોટલાને ચારે બાજુથી શેકવો એ એક મોટો પડકાર હતો. રોટલાને શેકવા માટે વિશિષ્ટ ચૂલો બનાવવામાં આવ્યો છે. તો રોટલાને શેકવા માટે 800 કિલોનો તવો તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર સૌપ્રથમ રોટલાનો નીચેનો ભાગ શેકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે જ રોટલાની ઉપરના ભાગમાં ક્રેન મારફતે તવો મુકવામાં આવ્યો હતો. રોટલા માટે ખાસ મોટી સાઈઝનો તવો પ્રશાંત સોલગામા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રોટલાના દર્શનનો લાભ લેવા સમાજે સમગ્ર ભુજવાસીઓને આમંત્રણ આપ્યું હતું.