કચ્છ: કચ્છની દરિયાઇ સીમામાંથી ફરીથી કેફી દ્રવ્યોના પેકેટ ઝડપાયા છે અને સિલસિલો યથાવત રહ્યો છે. બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ ઝડપી પાડયા છે. જપ્ત કરાયેલા ચરસના 2 પેકેટ અંગે સુરક્ષા એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે.
ચરસના 2 પેકેટો કબ્જે: BSFએ જખૌના દરિયાઈ વિસ્તારથી લગભગ 5 કિમી દૂર એક વેરાન સુગર બેટ પરથી ચરસના 2 પેકેટો કબ્જે કર્યા હતા. ચરસના દરેક પેકેટનું વજન 1 કિલો હતું. આ પેકેટ કાળા રંગના પેકેજીંગમાં મળી આવ્યા હતા અને તેના પર 'ડેલ્ટા કેફે પ્લેટિનમ કોફી સેન્સેશન' પ્રિન્ટ કરેલું છે. ચરસના આ પેકેટ અગાઉ આ વિસ્તારમાંથી મળી મેળવેલા પેકેટ જેવું જ હતું.
એપ્રિલથી અત્યાર સુધીમાં 107 ચરસના પેકેટ જપ્ત: ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023ના મધ્યભાગથી BSFએ જખૌ કિનારેથી 107 જેટલા ચરસના પેકેટ જપ્ત કર્યા છે. BSFએ જખૌ કિનારે અલગ-અલગ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કચ્છના અબડાસા વિસ્તારના દરિયાઈ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતા જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા અહીંના દરિયાકાંઠા અને જુદાં જુદાં નિર્જન બેટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હોય છે.
14 સપ્ટેમ્બરે મળી આવ્યું હતું હેરોઈન: કચ્છનાં પશ્ચિમ કાંઠા બાદ પૂર્વ કાંઠે 14 સપ્ટેમ્બરે કંડલા નજીક અરબ સાગરમાંથી હેરોઈનનું પેકેટ મળી આવ્યું હતું. કંડલા મરીન પોલીસ દ્વારા હેરોઇનનું પેકેટ કબ્જે કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે સંઘડ ગામના દરિયા કિનારાથી હેરોઇનનું પેકેટ કબ્જે કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલ હેરોઇનના પેકેટનુ વજન 1 કિલો જેટલું છે અને જેની અંદાજિત કિંમત 5.09 કરોડ જેટલી આંકવામાં આવું રહી છે.