કચ્છ: કોરોના મહામારીના કારણે સમગ્ર દેશ તથા વિશ્વ મહામુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. લોકડાઉન બાદ સમગ્ર દેશમાં અનલોક-2 લાગુ કરવામાં આવ્યું છે. જેમાં સરકારે ગાઈડલાઈન મુજબ છુટછાટ આપી છે. કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો આરોગ્ય સેતુ એપને કેટલી ફાયદાકારક ગણે છે, તે સાથે તંત્ર માટે પણ આ એપ કઈ રીતે ઉપયોગી સાબિત થઇ રહી છે, તે અંગે ETV BHARATએ કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.
કચ્છ કોરોના અપડેટ
- સક્રિય કેસ- 93
- કોરોના પરીક્ષણ- 8727
- સ્વસ્થ થયેલા દર્દી- 125
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 2901
- કુલ મૃત્યુ- 6
કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે, કચ્છમાં વસ્તીના 14 ટકા એટલે 3,24,002 લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે. આ તમામ યુઝરો દૈનિક ધોરણે પોતાની તમામ માહિતી આ એપમાં અપલોડ કરે છે અને તેનો ઉપયોગ તંત્ર સતત કરી રહ્યું છે. તંત્ર આ એપ દ્વારા મળતી જાણકારીના આધારે કોરોના સંક્રમણને વધતું અટકાવવા ઉપરાંત દર્દીઓની સારવાર અને કન્ટેન્મેન્ટ ઝોનમાં કામગીરી માટે વિવિધ કાર્યાવહી હાથ ધરે છે.
ખાસ કરીને જે વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાય છે, તે દર્દીના મોબાઈલ ટ્રેસિંગને આધારે યાદી તૈયાર કરવામાં આવે છે, અને આ યાદી મુજબ તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ જાગૃત કરવા સાથે તેમનો ટેસ્ટ કરવા ઉપરાંત વિવિધ આરોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે. કચ્છમાં તંત્રની આ કામગીરીને પગલે 59 કેસ આરોગ્ય સેતુ એપ દ્વારા મળી આવ્યા છે. તંત્ર દ્વારા તેની જાગૃતિ અને ડાઉનલોડ કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોમાં ખાસ કરીને કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપે તે માટે પણ સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.