કચ્છઃ કોરોના વાઇરસના પગલે મુંબઇમાં વસતા કચ્છનાં 1200 થી વધુ લોકો મુબંઇના બોરીવલીથી ખાસ ટ્રેન દ્વારા બુધવારે સવારે કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશને પહોચ્યા હતા. કચ્છના તંત્ર દ્વારા આ તમામ પ્રવાસીઓને ગાંધીધામના શિણાઈ પોલીસ ક્વાટર અને ભૂજ ખાતે સાત દિવસ માટે સરકારી કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ માટે બસ સહિતની વિવિધ સુવિધાઓ કરવામાં આવી હતી.
મંગળવારે રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ આ ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી. ગાંધીધામ ખાતે કોગ્રેસના અગ્રણી બચુભાઈ આરેઠિયાએ જણાવ્યુ હતું કે મહારાષ્ટ્ર કોંગ્રેસની ટીમના સહકારથી આ તમામ પ્રવાસીઓ કોઇપણ પ્રકારના ખર્ચ વગર તેમના વતન પહોંચ્યા છે. સંકટના સમયમાં પોતાના વતન આવવા માગંતા આ લોકો મુંબઈમાં અટવાયા હતા. મુંબઈના વિવિધ વિસ્તારોમાં મજુરી સહિતના કામો કરીને રહેતા આ લોકો મહામારીના સમયમાં અટવાઈ ગયા હતા જેને પગલે તેઓએ પોતાના વતન આવવાની માંગ કરી હતી. જેને પુરી કરી દેવાઈ છે. કચ્છને વતન સમજીને આવેલા લોકો તમામ નિયમોનું પાલન કરે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
અંજારના પ્રાંત અધિકારી વિમલ જોશીએ જણાવ્યુ હતું કે તમામ પ્રવાસીઓને મેડિકલ સ્ક્રિનિગ સાથે તેમને સરકારી કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે, સાત દિવસ સુધી તેમની આરોગ્ય તપાસ બાદ તેમને સાત દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરાશે.