કચ્છ: જખૌના કોસ્ટ વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાનથી દરિયાઈ મોજામાં તણાઈ આવીને કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. છેલ્લાં 10 દિવસોથી જાણે જખૌનો દરિયાકિનારો ચરસનો હબ બન્યું હોય તે રીતે સતત વિવિધ સુરક્ષા એજન્સીઓને ચરસના પેકેટ મળી રહ્યા છે. ત્યારે આજે ફરી જખૌના પિંગલેશ્વર દરિયાકિનારા નજીકના વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.
પેકેટ પર બ્લેક કોફી ડાર્ક સુપ્રીમો પ્રિન્ટ: અબડાસાના જખૌના દરિયા કાંઠો ગણાતા પિંગલેશ્વર દરિયાકિનારાના વિસ્તારમાં જખૌ મરીન પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી હતી. તે દરિમયાન 100 મીટર પૂર્વ દિશામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. 10 પેકેટ સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા. ચરસના દરેક પેકેટને વજન આશરે 1 કિલો જેટલું છે તો દરેક પેકેટ પર બ્લેક કોફી ડાર્ક સુપ્રીમો પ્રિન્ટ કરેલું છે.
છેલ્લાં 10 દિવસોથી મળી રહ્યા છે ચરસના પેકેટ: જખૌ મરીન પોલીસે ચરસના પેકેટને લઈને વધુ તપાસ હાથ ધરી છે તો જખૌ કોસ્ટ વિસ્તારમા આવેલા દરિયા કાંઠા તેમજ બેટ પર સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટથી સતત જખૌના દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો વિવિધ સુરક્ષા એજન્સીઓને મળી રહ્યો છે. આ ઉપરાંત જખૌના જ દરિયાઈ વિસ્તારમાંથી બે વખત વિસ્ફોટક સેલ પણ મળી આવ્યા છે.