ખેડાઃ નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ખેડા જિલ્લાના કુલ 6 યોગ કોચ અને 14 યોગ ટ્રેનર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 126 યોગ કોચ તથા 8,284 યોગ ટ્રેનર્સને તાલીમ આપી તાલીમબદ્ધ કરવામા આવ્યા હતા. યોગ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બદલ પ્રમાણપત્ર વિતરણ માટે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમ યોજાયો હતો.
![ખેડા જિલ્લાના યોગ કોચ અને ટ્રેનર્સને સન્માનિત કરવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:41:51:1596903111_gj-khd-01-sanman-photo-story-7203754_08082020213916_0808f_1596902956_492.jpeg)
જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ખેડા દ્વારા કલેક્ટર કચેરી, ખેડા- નડિયાદ ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન ખેડા જિલ્લાના કુલ 6 યોગ કોચ અને 14 યોગ ટ્રેનર્સને સંસદસભ્ય (ખેડા) દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય (મહેમદાવાદ) અર્જુનસિંહ ચૌહાણ, કલેક્ટર આઈ. કે. પટેલ, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાના વરદહસ્તે પ્રમાણપત્ર આપી, ખેડા જિલ્લાના યોગ કોચ અને યોગ ટ્રેનર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણએ યોગ કોચ અને યોગ ટ્રેનર્સની કામગીરીને વખાણી જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીને યોગ તરફ વાળવા ખુબ જ જરૂરી છે. આ પ્રસંગે જિલ્લાના યોગ કોચ અને યોગ ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.