ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ડાકોર શહેરમાં અને આસપાસ રણછોડરાયજી મંદિરની જમીન અને વિવિધ મિલકતો આવેલી છે. જેનું સંચાલન રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. 150 વર્ષ બાદ મિલકત પરત સોંપાઈ છે. રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીજી મંદિરની બાજુમાં આ મિલકત આવેલી છે. જ્યાં સેવક પરિવાર વર્ષોથી રહેતો હતો. આશિષ સેવક અને તેમનો પરિવાર હાલ ત્રીજી પેઢીએ તેનો કબજો ભોગવટો ધરાવે છે. આ મિલકત તેમણે રાજીખુશીથી શ્રીજીના ચરણોમાં અર્પણ કરી છે.
શ્રીજીના ચરણોમાં અર્પણ: મિલકત અર્પણ કરતા આશિષ સેવકે જણાવ્યું હતું કે, છેલ્લા 150 વર્ષથી આ મિલકત અમારા પરિવાર પાસે છે. અમે અને અમારા ભાઈ મહેશભાઈ એમ બંને ભાઈઓએ અંગત સમજુતી કરી આ મિલકત ભાવિકોની સુખાકારી માટે પરત કરવાનો નિર્ણય કર્યો હતો. રણછોડજી મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો મોટી સંખ્યામાં લક્ષ્મીજી મંદિરે પણ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે તેમને અગવડ ન પડે તે માટે ભાવિકોના હિતમાં અમે આ નિર્ણય કર્યો છે. તો હવે આ મિલકત તેમનાં શ્રીચરણોમાં અર્પણ કરવાથી રણછોડજી તેમજ લક્ષ્મીજીના આશિર્વાદ અવિરત રહેશે. તેમણે આમ તેમની સ્વર્ગસ્થ માતાની ઈચ્છાને પણ પરિપૂર્ણ કરી હતી.
ભાવિકો માટે સુવિધા: ઈન્ચાર્જ મેનેજર લક્ષ્મીજી મંદિરને અડીને આવેલી મિલકત પરત મળતા રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીજી મંદિર ખાતે ભાવિકો માટે સુવિધા ઉભી કરવામાં આવશે.મોટી સંખ્યામાં ભાવિકો લક્ષ્મીજી મંદિરે દર્શને આવે છે. ત્યારે ભાવિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે.ત્યાં જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને દરવાજો બનાવાશે તેમ ડાકોર ટેમ્પલ કમિટીના ઈન્ચાર્જ મેનેજર રવિન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
ભગવાનની સવારી:રણછોડજીના દર્શને આવતા ભાવિકો કરે છે લક્ષ્મીજીના દર્શનયાત્રાધામ ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો આવે છે.ત્યારે રણછોડજીના દર્શને આવતા ભાવિકો લક્ષ્મીજીના મંદિરે પણ દર્શન કરી આશીર્વાદ મેળવે છે. ઉપરાંત રણછોડરાયજી મંદિરેથી પણ દર શુક્રવારે અને એકાદશીએ મોટી સંખ્યામાં ભાવિકો સાથે વાજતે ગાજતે રણછોડરાયજી ભગવાનની સવારી નીકળે છે.જે લક્ષ્મીજી મંદિરે પહોંચી ભગવાન લક્ષ્મીજીને મળે છે. જેને લઈ ડાકોર ખાતે લક્ષ્મીજી મંદિરનું વિશેષ મહત્વ રહેલું છે.