ખેડાઃ સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ વધ્યો છે, ત્યારે દરેક જિલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ખેડા જિલ્લાની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં આ મહામારીનો વ્યાપ ખૂબ જ વધી ગયેલો છે. આ ખૂબ જ ગંભીર બાબત છે.
આજુ-બાજુના જિલ્લામાંથી અપડાઉન કરતા અધિકારીઓ અને કર્મચારીઓના કારણે જિલ્લામાં કેસોની સંખ્યા વધવાની સંભાવના છે. તાજેતરમાં અત્રેના જિલ્લામાંથી અમદાવાદ નોકરી માટે જતા હોય. તેવા પોઝિટિવ કેસો પણ માલૂમ પડેલા છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ જિલ્લામાં હંગામી રોકાણની વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આમ છતાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ જિલ્લા બહારથી આવન-જાવન કરી રહ્યાં છે.
આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર લાલગુમ થયેલા છે. જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલના ધ્યાને આવતા તેઓએ સરકારી અધિકારી કર્મીઓને અપડાઉન ન કરવા તાકીદ કરી છે. આમ છતાં નિયમોનું ઉલ્લંઘન થશે, તો કડક પગલાં ભરવા પણ તાકીદ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જિલ્લા બહાર રહેતા સરકારી કર્મચારી કે અધિકારી કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન અપડાઉન ન કરી શકે. આમ છતાં તેઓ અપડાઉન કરે તો તેમની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 બીની જોગવાઈઓ અન્વયે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ બાબતે ખેડા જિલ્લા કલેક્ટરે અગાઉ પણ 19 એપ્રિલના રોજ પરિપત્ર પાઠવી સરકારની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળતી વખતો-વખતની બેઠકોમાં પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓને તેમની કચેરીના તાબાના કર્મચારીઓ અને અધિકારીઓ જિલ્લા બહાર અપડાઉન ન કરે તે જોવા સૂચના આપવામાં આવી છે. આમ છતાં અપડાઉન કરતાં જણાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું છે.