ખેડા : જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં રહેતા ઉમેશભાઈ દેસાઈ અનેક લોકોને મક્કમ મનોબળથી બીમારી સામે લડવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સામાન્ય સ્વસ્થ વ્યક્તિ લાગતા ઉમેશભાઈને જોઈને કે મળીને કોઈ કહી જ ન શકે કે આ વ્યક્તિની બંને કિડની ફેઈલ છે. સદાય હસમુખો ચહેરો ધરાવતા ઉમેશભાઈ અનેક લોકોને નવી પ્રેરણા અને જોમ પૂરું પાડે છે.
ઉમેશભાઈએ આજથી 19 વર્ષ પહેલા પોતાના જીવનસાથી શ્વેતાબેન સાથે પ્રેમ લગ્ન કરી પોતાના દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી, પરંતુ લગ્ન થયાના એકાદ માસમાં જ તેમની બંને કિડની ફેઈલ હોવાનું નિદાન થયું હતું. જેને લઇ ભાંગી પડવાને બદલે બંનેએ હસતા મુખે પોઝિટિવ અભિગમ રાખી પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ધાર કર્યો હતો અને અમદાવાદ ખાતે સુવિખ્યાત એચ.એમ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરાવી હતી. જ્યાંના નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર હાલ પણ ચાલુ છે.
સામાન્ય રીતે જોવા મળે છે કે કિડનીના દર્દીઓની સારવાર માણસને ભાંગી પડતી હોય છે. દર્દી તેમજ સ્વજનો નાસીપાસ થઈ જતા હોય છે, ત્યારે નાસીપાસ થવાને બદલે ઉમેશભાઈ જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ રાખી છેલ્લા ૧૯ વર્ષથી સારવાર કરાવી રહ્યા છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 2700 વખત ડાયાલિસિસ કરાવી ચુક્યા છે. જેમાં 16 વર્ષ અમદાવાદ ખાતે અને હાલ છેલ્લા 3 વર્ષથી નડિયાદ ખાતે ડાયાલિસીસ કરાવી રહ્યા છે. દર ત્રીજા દિવસે તેમનું ડાયાલિસિસ કરવામાં આવે છે.
આ ઉપરાંત સારવાર દરમિયાન જ તેમને સ્વાઈન ફ્લૂ પણ થયો હતો. તેમ છતાં તેમનો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ અને જીવનસાથીની પ્રેમાળ હૂંફ તેમને જીવનને માણવાનું જોમ પૂરું પાડે છે. તેમજ તેમનું જીવન અનેક ગંભીર રોગોના દર્દીઓને મક્કમ મનોબળથી બીમારી સામે લડવાની પ્રેરણા પૂરી પાડવા ઉપરાંત તેઓ અન્યોને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તેમનું મિત્ર વર્તુળ તેમજ ઓળખીતા સારવાર બાબતે તેમની પાસેથી જરૂરી જાણકારી અને માર્ગદર્શન મેળવે છે.
આ ઉપરાંત ઉમેશભાઇ જણાવ્યું કે કિડનીના દર્દીઓ હકારાત્મક અભિગમ તેમજ તંદુરસ્ત જીવનશૈલી રાખે તો મુશ્કેલી વચ્ચે પણ જીવનનો આનંદ માણી શકે છે. ઉમેશભાઈ તેમની દિનચર્યા અંગે જણાવ્યું કે તેઓ સવારે ઉઠી નિત્ય પ્રાણાયામ કરે છે, પ્રાર્થના કરી પ્રાતઃ ક્રિયા પતાવી પોતાનું વજન કર્યા બાદ જ કંઈક ખાય છે. દિવસમાં માત્ર એક જ વખત તેઓ ભોજન કરે છે. પોતાના કામકાજથી પરવારી તેઓ બાકીનો સમય જીવનસંગિની અને મિત્રો સાથે આનંદમય રીતે વિતાવે છે. વધુમાં તેઓ જણાવે છે કે કિડનીના દર્દીએ આનંદમય જીવન માટે વિશેષ કાળજી રાખવી જોઇએ અને હકારાત્મક અભિગમ કેળવવો જોઈએ. ઉમેશભાઈના જીવનસંગિની શ્વેતાબેન તેમનો પડછાયો બની તેમની સાથે રહે છે. એકધારી આટલી લાંબી સારવાર છતાં પણ સદાય આનંદિત ચેહરે તેમને પ્રેમાળ હુંફ આપી આનંદમય જીવન વ્યતીત કરવામાં જોમ અને જુસ્સો પૂરો પાડી રહ્યા છે.
આજના વિશ્વ કિડની દિવસે ઉમેશભાઈ ખરેખર જ અનેકોને પ્રેરણા પૂરી પાડી પાડતું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, ત્યારે જીવન પ્રત્યેના તેમના હકારાત્મક અભિગમ અને મક્કમ મનોબળને સલામ.