આગામી 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન ફાગણ સુદ પૂનમે હોળી ધુળેટી તહેવાર નિમિત્તે ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરે ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ મેળામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા દર્શનાર્થે આવનાર છે. જેને લઇ રોડ પર વાહનોની અવરજવર ચાલુ રહે તો અકસ્માત અને જાનહાનિના બનાવો બનવાની શક્યતાઓ રહે છે. જેથી પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખી 4 માર્ચથી 10 માર્ચ સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લાના કેટલાક રસ્તાઓ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે.
જેમાં રાસ્કા પોટા હટ કેનાલ (અમદાવાદ રોડ)થી મહેમદાવાદ, ખાત્રજ ચોકડી, મહુધા ચોકડી, અલીણા ચોકડી, ગાયોના વાડા ડાકોર, મહુધા ટી-પોઇન્ટ ડાકોર સુધી જતો આવતો તમામ વાહન વ્યવહાર, ખેડા ચોકડી થી ખાત્રજ ચોકડી તરફ જતા વાહનો, નડિયાદ કમળા ચોકડીથી ખાત્રજ ચોકડી થઇ મહેમદાવાદ અને અમદાવાદ તરફ જતો તમામ વાહન વ્યવહાર, નડિયાદથી સલુણ થઇ ડાકોર તરફ જતા તમામ મોટા વાહનો, કઠલાલ ચોકડીથી મહુધા ચોકડી થઇ નડિયાદ, મહેમદાવાદ તરફ આવતા તમામ મોટા વાહનો, લાડવેલ ચોકડીથી ડાકોર તરફ આવતા તમામ મોટા વાહનો, અમદાવાદ ઇન્દોર રોડ પર કઠલાલ તાલુકાના સીતાપુર પાટીયાથી મહીસા થઇ અલીણા ચોકડી તરફથી આવતા મોટા વાહનો, સેવાલિયા તરફથી ડાકોર તરફ આવતા તમામ મોટા વાહનો, સાવલીથી ગળતેશ્વર બ્રિજ થઇ અંબાવ થઇ ડાકોર તરફ આવતા તમામ વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે તમામ રોડના વાહનોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.