ડાકોરઃ હાલ કોરોના વાયરસની મહામારીને પગલે સમગ્ર વિશ્વ પ્રભાવિત બન્યું છે.દેશમાં પણ તમામ ક્ષેત્રોમાં તેની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો જોવા મળી રહી છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલી ગૌશાળાની હાલત દયનીય બની છે. ગૌશાળામાં અંદાજે 1750 ઉપરાંત ગૌવંશ રહે છે. ગૌશાળાનો નિભાવ મહદઅંશે શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતાં દાન પર જ થાય છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીને પગલે લૉકડાઉન થતાં યાત્રાધામમાં સૂનકાર ભાસી રહ્યો છે. યાત્રાળુઓની અવરજવર સંપૂર્ણ બંધ છે જેને પગલે ગૌશાળાને મળતા રોજબરોજના દાનમાં પણ મોટો ઘટાડો થયો છે.પરિણામે ગૌવંશનો નિભાવ મુશ્કેલ બનતાં ગૌશાળા ટ્રસ્ટની આર્થિક હાલત દયનીય બની છે.
ગાયોનો ગોવાળ ડાકોરનો ઠાકોર મંદિરમાં પુરાતાં ગૌશાળાની હાલત કથળી યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિર સંચાલિત ગૌશાળામાંં માત્ર 240 દૂઝણી ગાયો છે તથા અન્ય 600 સાંઢ અને વૃદ્ધ તેમ જ બીમાર ગાયો અને વાછરડા સહિત ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. જેનો અંદાજિત ખર્ચ વાર્ષિક 7 કરોડથી વધુ છે. આ ખર્ચ શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતાં દાનમાંથી થાય છે. જો કે દાનની સામે ઘાસચારો, સ્ટાફનો પગાર તેમ જ ગાયોની અંતિમ ક્રિયા સહિતનો ખર્ચ અનેક ગણો વધારે છે. જેને પગલે પહેલેથી જ ગૌશાળા ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૌશાળાનો પ્રતિમાસ 50 લાખ જેટલો ખર્ચ રણછોડરાય મંદિરના મુખ્ય ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે. ત્યારે હાલ કોરોના મહામારીને પગલે લૉક ડાઉનને લઈને રણછોડરાયજી મંદિર બંધ છે. જેને કારણે ગૌશાળામાં દાનની આવક નહીંવત રહેતાં નિભાવણી કરવી કપરી બની છે.ગાયોનો ગોવાળ ડાકોરનો ઠાકોર મંદિરમાં પુરાતાં ગૌશાળાની હાલત કથળી હવે મંદિર ખૂલે અને દાતાઓ દાન કરવા આગળ આવે તો જ ગૌશાળાની નિભાવણી થઈ શકે તેમ છે. હાલ મંદિર ટ્રસ્ટ માટે ગૌવંશની નિભાવણી મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે.રણછોડરાયજી મંદિર સંચાલિત ગૌશાળાની ગાયો અને ગૌવંશની યોગ્ય સારવાર થતી રહે, તેમને ખોરાકપાણી વ્યવસ્થિત મળતાં રહે તે માટે વેપારીઓ અને દાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. પરંતુ હાલ દાતાઓ અને સંસ્થાઓ કોરોના મહામારીને કારણે તકલીફમાં રહેલાં માનવોની સેવામાં સેવારત હોઇ આ અબોલ પશુ અને ગૌવંશ તરફ લોકધ્યાન ઓછું છે.