ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો ડાકોરના ગોટાનો સ્વાદ અચૂક માણે જ છે. રણછોડરાયજીનો પ્રસાદ ગણાતા ગોટાનો સ્વાદ લીધા વિના ડાકોરની મુલાકાત અધૂરી ગણાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે ડાકોરમાં દર્શનાર્થીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત બની છે અને લોકો બિમારીના ભયમાં ગોટાનો આસ્વાદ માણવાનું ટાળી રહ્યા છે.
વર્ષોથી ભારતભરમાં સ્વાદિષ્ટ ગોટા માટે જાણીતા બનેલા વેપારીઓ કોરોનાને લીધે બેહાલ બન્યા છે. એક સમયે જ્યાં ડાકોરના ગોટાના લોકો વખાણ કરતા થાકતા ન હતા, એકલા દર્શન કરવા આવનારા વ્યક્તિ પોતાના પરિવારજનો માટે પણ ગરમાગરમ ગોટાના પાર્સલ બંધાવી જતા, ત્યાં કોરોના મહામારીને પગલે આજે ગ્રાહકો વિના સૂનકાર ભાસી રહ્યો છે.
લોકડાઉનને કારણે લાંબાગાળાથી ધંધો બંધ હતો અને હવે અનલોકમાં નહિવત ધંધો હોવાને પગલે દુકાનદારોને ભારે આર્થિક મુશ્કેલી સહન કરવી પડી રહી છે, ત્યારે ગુજરાન માટે વર્ષોની ઓળખ સમાન ધંધો સંભારણું બની રહેવાની દહેશત વેપારી સેવી રહ્યા છે. ભવ્ય ભૂતકાળ વાગોળતા વેપારીઓ નિસાસા નાખી રહ્યા છે.
ખેડાથી ધર્મેન્દ્ર ભટ્ટનો વિશેષ અહેવાલ.