નડિયાદઃ સમગ્ર દેશ કોરોનાની સામે એક થઈને લડી રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિર દ્વારા લોકડાઉનમાં લોકોને મદદરૂપ થવા માટે અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી સતત શાકભાજીની કીટ તૈયાર કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ સાથે લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે.
પ્રતિદિન બેથી અઢી ટન શાકભાજી તારાપુર, વલાસણ, ઓડ, અજરપુરા, નામણ, ઊતરસંડા, જોળ, પીજ, અજરપુરા, અરડી, હાથનોલી, ટુંડેલ, અલીન્દ્રા, ડભાણ નરસંડા, પીપલગ ડભાઊ, દાવોલ, ચાંગા, પેટલાદ, વસો ખાંધલી રઘવાણજ જીતપુરા ગામના ભક્તોજનો વડતાલ મંદિરને યથાશક્તિ સેવા આપી રહ્યા છે. વડતાલ મંદિરના સંતો, પાર્ષદો અને સ્વયંસેવકો તેની ચારથી પાંચ કીલોની કીટ તૈયાર કરે છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેક્ટર આઈ.કે.પટેલ તથા આણંદ સાસંદ મીતેશભાઈ પટેલ વગેરેના માર્ગદર્શન પ્રમાણે જરૂરીયાતમંદ લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. કોબી, રીંગણ , મરચાં, દુધી, ફલાવર, બટેકા, જેવી તાજી શાકભાજી લઈને લોકોના આંગણા સુધી પહોંચાડવાનું પુણ્યકાર્ય વડતાલ સંસ્થાન દ્વારા થઈ રહ્યું છે.
આ કાર્યનો હેતુ જણાવતા સંત સ્વામીએ કહ્યું હતું કે, જો લોકોને ઘર આંગણે જરુરિયાતની વસ્તુઓ મળી રહેશે તો લોકો સરળતાથી લોકડાઉનનુ પાલન કરી શકશે. લોકડાઉનનો અમલ કરવો એ દેશની સેવા છે. તથા ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વજીવ હિતાવહ સંદેશ છે. તેથી આપણા સહુનુ હિત થાય એ ભાવના સાથે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે આ સેવા કાર્ય થઈ રહ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયં સેવકો કરી રહ્યા છે.