તિનસુકિયા: નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) ના મુખ્ય સુરક્ષા અધિકારી એસ.કે. ચૌધરી આસામ-અરુણાચલ પ્રદેશ સરહદ પર સ્થિત ધાર્મિક સ્થળ પરશુરામ કુંડમાં પવિત્ર સ્નાન માટે ગયા પછી ગુમ થયા છે. આશંકા છે કે તે નદીમાં ડૂબી ગયા છે.
આ ઘટના રવિવારે બની હતી, જ્યારે ચૌધરી તેમની પત્ની સાથે અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લાના તીર્થસ્થળ પરશુરામ કુંડ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમની પત્ની સુરક્ષિત છે. ચૌધરી નદીમાં તણાઈ ગયાની માહિતી મળ્યા બાદ, જિલ્લા સત્તાવાળાઓ અને સ્થાનિક ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સ સાથે મળીને એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ચૌધરી છેલ્લા 24 કલાકથી ગુમ છે.
એનએફઆરના વરિષ્ઠ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રેલવે સત્તાવાળાઓએ સેનાને આ વિસ્તારમાં અને તેની આસપાસ શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા વિનંતી કરી છે.
એવું કહેવામાં આવ્યું છે કે, એસકે ચૌધરી 22 નવેમ્બરે તિનસુકિયાની સત્તાવાર મુલાકાતે હતા. ગયા શુક્રવારે, ચૌધરીએ દેહિંગ રેલ્વે ક્લબમાં અન્ય અધિકારીઓ સાથે રાત્રિભોજન કર્યું હતું અને શનિવારે, ચૌધરી અને તેમની પત્ની ડમ્બુક થઈને પાસીઘાટ જવા નીકળ્યા હતા. રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે અધિકારી પવિત્ર સ્નાન માટે પરશુરામ કુંડ ગયા હતા.
લોહિત એક બહુ મોટી નદી છે, જેનું વહેણ ખૂબ જ ઝડપી છે અને આવી ઘણી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. પરશુરામ કુંડ મેનેજમેન્ટ ઓથોરિટીએ ભક્તો માટે ખાસ જગ્યાઓ નિર્ધારિત કરી હતી જ્યાં તેઓ સ્નાન કરી શકે.