નડિયાદના સંધાણા પાસે આંત્રોલી શંકરાચાર્ય નગર ખાતે ઉત્તર બુનિયાદી હાયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે. શાળામાં ધોરણ 9 અને 10ના 75 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસથી ચાલું શાળાએ શિક્ષણના સમય દરમિયાન શિક્ષિકા સેજલબેન ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને તાપણી માટે લાકડાં લાવવા મોકલવા ઉપરાંત અન્ય કામ પણ કરાવવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી કામ કરવાની આનાકાની કરે તો તેમને વર્ગખંડની બહાર કાઢી મૂકવામાં આવે છે. તેમજ શિક્ષિકા દ્વારા તેમને સર્ટિફિકેટ પકડાવી દેવાની ધમકી આપવામાં આવે છે, તેવો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
શિક્ષિકા સેજલબેન ચૌહાણે ચાલુ શાળાએ તાપણું સળગાવી વિદ્યાર્થીઓને લાકડા લેવા મોકલ્યા હતા. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ લાકડા લેવા ન જતાં તેમને વર્ગખંડની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. જે કારણે વિવાદ સર્જાતા સરપંચ સહિત ગ્રામજનો શાળા પર દોડી આવ્યા હતા. સરપંચ દ્વારા વર્ગખંડમાં તાપણું સળગાવતા શિક્ષિકાનો ફોટો પાડી શિક્ષિકા વિરૂદ્ધ રજૂઆત કરી હતી. સરપંચ અને ગ્રામજનો દ્વારા આ અંગે શાળાના આચાર્યને રજૂઆત કરવામાં આવતા આચાર્ય સમગ્ર વાતથી અજાણ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જો કે, વિદ્યાર્થીઓ દ્વારા તેમને રૂબરૂ કરાવવામાં આવતા આચાર્યએ શિક્ષિકા સામે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે, શિક્ષિકાની કામગીરીને લઈને વિવાદ સર્જાતાં શિક્ષિકા રજા ઉપર ઉતરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા શિક્ષકોને સરકાર દ્વારા તીડ ભગાવવા મોકલવામાં આવ્યા હતા. શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય સમયે તેમની અંગત કામ પાસે કામ કરાવે છે. આ બધા વચ્ચે શિક્ષણની ઝંખનાએ શાળાએ આવતા ગરીબ વિદ્યાર્થીનું ભાવી અંધકારમય તરફ આગળ વધી રહ્યું છે.