વડતાલ ગાદીના પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલના 5 સંતો સત્સંગના ઉદ્દેશ સાથે આફ્રિકાના 17 દિવસના ટૂંકા પ્રવાસે જઇ રહ્યા છે. પૂજ્ય મહારાજ સાથે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, વડતાલના સહાયક કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી, અમૃતવદન સ્વામી તથા પાર્ષદ કાર્તિક ભગત ઉપરાંત પાર્ષદ પરેશ ભગત ગુરુ નૌતમ સ્વામી પણ આ પ્રવાસમાં જોડાશે.
સંતો આફ્રિકામાં 15 દિવસ રોકાશે અને નૈરોબી, મોમ્બાસા વગેરે સ્થળે સત્સંગ સભાઓ યોજશે. તેઓ આગામી વચનામૃત દ્વિશતાબ્દિ ઉજવણી અંગે હરિભક્તોને સવિસ્તૃત માહિતી આપશે અને આ મહોત્સવમાં વડતાલ પધારવા આમંત્રણ આપશે.
વડતાલનો રંગોત્સવ હવે નૈરોબીમાં પણ ભવ્ય રીતે ઉજવાશે. નૈરોબીમાં વસતા ચરોતર અને કચ્છ પ્રદેશના હરિભક્તોએ પૂજ્ય આચાર્ય મહારાજ તથા વડતાલના સંતોની ઉપસ્થિતિમાં પ્રથમવાર રંગોત્સવનું આયોજન કર્યું છે. આઉત્સવ માટે હરિભક્તો ભારે ઉત્સુક બન્યા છે. નૈરોબીમાં મહારાજ તથા સંતોનું ભવ્ય સ્વાગત થશે. પ્રવાસ પૂર્ણ થયા બાદ તેઓ 12 અપ્રિલના રોજ ભારત પરત થશે.
ચેરમેન દેવ સ્વામી તથા ડૉ.સંત સ્વામીને પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ભાનુ સ્વામી, પૂજ્ય બ્રહ્મસ્વરુપ સ્વામી તથા મુનિવલ્લભ સ્વામીએ શુભેચ્છા વિદાય આપી હતી. સ્વામિનારાયણ ભગવાને સત્સંગ સંવર્ધન માટે અને મુમુક્ષોના આત્મકલ્યાણ અર્થે ઠેરઠેર વિચરણો કર્યાં છે. હરિ પ્રેરિત આ પૂણ્યયજ્ઞમાં નંદ સંતો પણ સહાયક બન્યા છે. કઠોર પરિશ્રમ ઊઠાવીને આ સંતોએ ગામડાં ખૂંદી હરિમંદિરોના નિર્માણ કર્યાં છે અને સત્સંગને વેગ આપી સદા લીલો રાખ્યો છે.