ખેડાઃ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા" આ સર્જન છે, કવિ રાવજી પટેલનું મૃત્યુ સન્મુખ કરેલી અદભુત રચના જે તેમને અમર બનાવી ગઈ. કવિ રાવજી પટેલ યુવા વયે દુનિયા છોડી ગયા હતા. તેમને તે સમયે અસાધ્ય ગણાતો ક્ષયરોગ થયો હતો. જેને પગલે મૃત્યુ સામે આવેલું જોઈ પત્ની, સ્વજનો, ગામ અને ખેતરથી વિખુટા પડવાની વ્યથાને લઇ તેમણે આ અદભૂત સર્જન કર્યું હતું. જાણે કે મૃત્યુ થકી જ તે અમર થયા!
ખેડા જિલ્લાના ખૂણામાં આવેલું એક નાનકડું ગામ વલ્લવપુર અને ગામના એક ખૂણામાં આવેલા આ ઘરમાં રહેતા એક ખેડૂત પુત્રએ ગુજરાતી સાહિત્યમાં અમિટ છાપ છોડનારી અમર કૃતિ આપી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની પાદરે આવેલું છે, રાવજી પટેલનું ગામ વલ્લવપુર હાલ તો ગામમાં જ્યાં રાવજી રહેતા હતા, તે ઘર જમીનદોસ્ત હાલતમાં છે. ત્યાં તેમના ભાઈ ખેતર નજીક મકાન બનાવી રહે છે. આ કવિનું ખેતર છે, જ્યાં ખેતરના શેઢે બેસી રાવજી ક્યારેક કવિતા લખતા હતા. જો કે ગામમાં રાવજીની યાદમાં હાલ તો એકમાત્ર આ ખેતર જ છે. આ ખેતર એ જ જાણે રાવજીનું રજવાડું હતું. આ ખેતરમાં બેસીને પણ રાવજીએ અનેક સર્જનો કર્યા છે. તેમની કવિતામાં ગ્રામ્ય અને કૃષિ જીવનનો ધબકાર સંભળાતો એટલે જ તે કૃષિ કવિ પણ કહેવાતા. ખેતરમાં લહેરાતો મોલ અને આ ગામના તળાવમાં સુંદર કમળના ફૂલ કદાચ રાવજીને કવિતા માટે પ્રેરતા હશે.
ઊંચેરા સર્જકનું વતનમાં કે ક્યાંય સ્મૃતિ તાજી કરતું કોઈ સ્મારક ન હોઇ કવિ રાવજીને વિસારી દેવામાં આવ્યા હોવાના રંજને લઈને રાવજી પ્રેમીઓ દ્વારા ડાકોરમાં એક સ્મારક બનાવાયું છે. તેમજ ડાકોરથી તેમના ગામ જતા માર્ગને તેમનું નામ અપાયું છે. જેને લઇ નવી પેઢીને પણ પ્રેરણા મળી રહે.
આજે પણ જાણે ડાકોરના પાદરે પોતાના ગામ ભણી મીટ માંડી રાવજી જાણે પોતાના ઘર, ગામ, ખેતર અને સ્વજનોને નિહાળી રહ્યા છે.