વલસાડ: વલસાડ જિલ્લામાં ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ચળવાઇ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ફાર્મ ખાતે 5 ગુંઠાનું નિદર્શન ફાર્મ વિકસાવી ખેડૂતોને પ્રશિક્ષણ આપી આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂલોની ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
5 ગુઠામાં નિર્દશન ફાર્મ વિકસાવી ફૂલોની ખેતી: વલસાડ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો ફાર્મ ચળવાઈ ખાતે ફૂલોની ખેતી ખેડૂતોને દર્શાવવા માટે પાંચ ગુંઠામાં નિદર્શન ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફાર્મમાં ઓર્કિડના ફૂલોની ખેતી કરવામાં આવી છે. જે માટી વિના નાળિયેરના કોચલા ઉપર કરવામાં આવે છે. આ ફૂલની ખેતી કઈ રીતે કરી શકાય તે અંગેની વિગતવાર માહિતી આપી હતી અને ખેડૂતોને ફૂલોની ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં છ થી વધુ ખેડૂતોએ ફૂલોની સફળ ખેતી કરી છે.
વિવિધ ફૂલોની ખેતી: અહીં ફાર્મ ઉપર ઓર્કિડ ફ્લાવર, સેવંતી, જરબેરા, ગુલાબ, જીપસોફિલા, એન્થોરિયમ, હેલિકોર્નિકા જેવા તેમજ સાથે સાથે મોગરા, ગલગોટા, ગુલાબ, રજનીગંધા, સેવંતી ડેઝી અને સ્પાયડર લીલી જેવા અનેક ફૂલોની ખેતી અંગે ખેડૂતોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને જે માટે આ ફાર્મ હાલ જાણીતું બન્યું છે.
ઓર્કિડ ફ્લાવરની ડિમાન્ડ: ઓર્કિડ ફ્લાવર આમ સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થતું ફૂલ છે. જેની ડિમાન્ડ લગ્ન પ્રસંગોમાં ભારતીય માર્કેટમાં ખૂબ જ રહેલી છે. જે સફેદ રંગ અને બ્લુ કલરના તેમજ પરપલ કલરના પણ જોવા મળે છે. જેની એક દાંડીની કિંમત 25 થી 100 રૂપિયા છે.

સરકારી સબસીડી પણ મળે છે: ઓર્કિડ ફ્લાવરની ખેતી કરનાર ખેડૂતોને સરકાર વિવિધ પ્લાન્ટ મટિરિયલ ઉપર 60 થી 75% સુધી સબસીડી આપે છે, સાથે જ ગ્રીનહાઉસ તેમજ પ્લાન્ટિંગ મટિરિયલ અને સોઇલેસ ઉપર પણ સરકાર સબસીડી પૂરી પાડે છે.
ઓર્કિડ ફ્લાવરની ખેતી 10 વર્ષ ઉત્પાદન આપી શકે: ઓર્કિડ ફ્લાવરની ખેતી દસ વર્ષ સુધી આવક આપે છે. પરંતુ પ્રારંભિક બે વર્ષ માટે ખેડૂતોએ ધીરજ રાખવાની રહેતી હોય છે, કારણ કે પ્રારંભિક પ્રથમ અને બીજા વર્ષમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું રહે છે. પરંતુ ત્રીજા અને ચોથા વર્ષથી ઓર્કિડ ફ્લાવરની ખેતીમાં ઉત્પાદન નીકળતું હોય છે. એટલે કે ફૂલોની ખેતીમાં રોકાણ કર્યા બાદ ખેડૂતે ધીરજ રાખવાની રહે છે. જે બાદ જ તેને ઉત્પાદનનું વળતર મળી શકે તેમ છે એટલે કે દસ વર્ષ સુધી આ ખેતીનું ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે.

સૌથી વધુ માંગ મોટા શહેરોમાં: ઓર્કિડ ફ્લાવરની ડિમાન્ડ મુંબઈ અને મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારમાં રહેલી છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ સહિતના વિવિધ સારા પ્રસંગોમાં કાર્યક્રમોમાં સ્ટેજ ઉપરના શણગાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ ફ્લાવરની ડિમાન્ડ ખૂબ છે સાથે જ મહત્વની બાબત એ છે ઓર્કિડ ફ્લાવરનું એક ફૂલ 15 દિવસ સુધી ટકી શકે છે એટલે તેમાં વધુ પ્રમાણમાં નુકસાની આવતી નથી. જ્યારે અન્ય ફૂલો એક બે દિવસમાં કરમાઈ જતા હોય છે ત્યાં ઓર્કિડ ફ્લાવરના ફૂલો 15 દિવસ સુધી ટકી શકે છે.
માટી વિના થતો છોડ: ઓર્કિડ ફ્લાવરના પ્લાન્ટ સોઇલ લેસ એટલે કે જમીન વગર માટી વિના શ્રીફળના કોચલા અને માત્ર ભેજના આધારે જીવી જતા હોય છે. એટલે કે વધુ પ્રમાણમાં આ પ્લાન્ટને ભેજની જરૂર રહે છે. સીધો તડકો લાગે તો આ પ્લાન્ટ બળી શકે છે. તેથી આ પ્લાન્ટને ખેતી કરવા માટે ગ્રીનહાઉસ પાયાની જરૂરિયાત છે અને જેના માટે સરકાર એસટી, એસસી અને ઓબીસી માટે 60 થી 75% જેટલી સબસીડી પૂરી પાડે છે.

વધુ જાણકારી માટે કોનો સંપર્ક કરી શકાય? સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો ફાર્મ ચળવાઈ ખાતે સમગ્ર મહિના દરમિયાન વિવિધ તાલીમ અને મુલાકાતીઓની અવરજવર રહે છે. અહીં ખેડૂતો ફૂલોને લગતી માહિતી અને તેની ખેતી અંગેની જાણકારી મેળવવા માટે વિવિધ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે માટે કોઈપણ ખેડૂત વધુ જાણકારી મેળવવા અહીંનો સંપર્ક કરી શકે છે.

હા... વલસાડ જિલ્લામાં પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂલોની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને એમાં પણ માટી વિના નાળિયેરની છાલમાં ઉછેર થતા ઓર્કિડ ફૂલોની માંગ વધુ હોય તેના ઉછેર માટેની તાલીમ પણ અહીં આપવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: