નડિયાદમાં આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે મજબૂત અને વિશ્વસનીય લોકશાહી માટે ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન યાદીમાં નામ નોંધાવવા માટે યોગ્યતા ધરાવતા વધુ ને વધુ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે અને તે રીતે પોતાનો મતાધિકાર પ્રાપ્ત કરી લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદાર થાય તેવા ઉચ્ચ હેતુથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ખેડા જિલ્લામાં કુલ 14,90,351 નોંધાયેલા મતદારો છે. જેમાં આ વખતે નવા 18થી 19 વર્ષની વય જુથના કુલ 10710 મતદારો છે.
જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ જણાવ્યું હતું કે મતદાનથી દેશના વિકાસમાં ભાગીદાર થવાની અને લોકશાહીને મજબુત કરવાની તક મળે છે. દરેક લાયકાત ધરાવતી વ્યક્તિએ ફરજિયાત પોતાનું નામ નોંધાવવું જોઈએ અને ચૂંટણીમાં ભાગ લઇ મતદાન પણ અવશ્ય કરવું જોઈએ.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલના હસ્તે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૦ અન્વયે નોંધાયેલ નવીન મતદારોને મતદાન કાર્ડ આપી,યુવા મતદાર મહોત્સવ- 2019 અંતર્ગત જિલ્લાની શાળાઓમાં યોજાયેલા ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી,ભવિષ્યના અને યુવા મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તે હેતુથી મતદાર સાક્ષરતા ક્લબની સ્થાપના કરેલ છે. તેઓને કલગી અને પ્રમાણપત્ર આપી,વર્ષ 2019ના શ્રેષ્ઠ બી.એલ.ઓ,શ્રેષ્ઠ સુપરવાઇઝરો,શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી-મદદનીશ મતદાર નોંધણી અoધિકારી,દિવ્યાંગ મતદારો,સિનિયર સિટીઝનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.