નડિયાદ : શહેરમાં થોડા દિવસ પહેલાં ગાયે શિંગડું મારતા એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે મૃતકના વિધવા દ્વારા નડિયાદ પોલીસ સ્ટેશનમાં જવાબદાર સામે પગલાં ભરવાની માંગ સાથે અરજી કરી હતી. જેને લઈ પોલીસ દ્વારા આજરોજ ગાયના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો : નડિયાદ શહેરમાં નવાધરા, દેસાઈવગામાં રહેતા ઈન્દુ મિસ્ત્રી ગત 25 મે 2023ના રોજ દૂધ લેવા માટે બજારમાં નીકળ્યા હતા. તે વખતે રખડતી ગાયે તેમને શિંગડું મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
નડિયાદ ટાઉન પોલિસ સ્ટેશનમાં જવાબદાર સામે પગલાં ભરવા માટે FIR દાખલ કરવા અરજી આપી છે. મારા પતિ મારો સહારો હતા. મને ન્યાય આપવામાં આવે તેવી મારી માંગ છે. - કૈલાશબેન મિસ્ત્રી (મૃતકના પત્ની)
અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો : પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી અરજીના અનુસંધાને પોલીસ દ્વારા અજાણ્યા પશુ માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા IPC 304 A, 289 મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જેને પગલે શહેરમાં પશુઓને રખડતાં છોડી મુકતા પશુ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમારી પાસે અરજી આવી છે. જેની તપાસ બાદ અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - હરપાલસિંહ ચૌહાણ (PI, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન)
શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ દ્વારા અવારનવાર નાગરિકોને શિંગડે ભરવાના બનાવો બની રહ્યા છે. જેને લઈ રખડતા પશુઓને પાંજરે પુરવા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બેદરકાર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરમાં રખડતી ગાયોને પાંજરે પુરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.