ખેડા: આજના સમયમાં મહિલાઓ અને દિકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. વારંવાર સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના કારણે મહિલાઓને હવે સમાજમાં તો પછીની વાત છે પરંતુ પોતાના ઘરમાં પણ હવે સેફ નથી. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ખેડા જિલ્લાના એક ગામમાં સાવકા પિતા દ્વારા સગીર દીકરી પર દુ્ષ્કર્મ ગુજારવાના મામલામાં નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા નરાધમ પિતાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સાવકા પિતા છ મહિનાથી દુ્ષ્કર્મ ગુજારતા હતા જેના કારણે સગીર દિકરી ત્રણ મહિનાની ગર્ભવતી બની હતી.
માતા પર આભ ફાટ્યું: ખેડાના માતર તાલુકાના ગામમાં 11 વર્ષ ને 10 મહિનાની સગીર દીકરી સાવકા પિતાની હેવાનિયતનો ભોગ બની હતી. આ મામલે સરકારી વકીલ ગોપાલભાઈ ઠાકુરે જણાવ્યું હતું કે, ભોગ બનનાર ગર્ભવતી બની હતી. જેમાં કોર્ટની મંજૂરી લીધા બાદ કોર્ટે ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. જેથી સગીરાનું ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. પેટમાં દુખાવો થતા સારવાર માટે લઈ જતાં માતાને હકીકત ખબર પડી હતી.
પેટમાં અચાનક દુખાવો: ભોગ બનનાર પુત્રીએ પેટમાં અચાનક દુખાવો થવાનું જણાવતા તેણીની માતા તેને લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.જ્યાં ડોક્ટરે સોનોગ્રાફી કરતા ત્રણ માસનું ગર્ભ હોવાનું બહાર આવ્યુ હતું. જેને લઈ માતા પર આભ ફાટ્યું હતું. તેણીએ દિકરીને આ બાબતે પૂછપરછ કરતા દિકરીએ તેના સાવકા પિતાએ આ અધમ કૃત્ય આચર્યુ હોવાનું જણાવ્યુ હતું.
આ પણ વાંચો ખેડામાં BSF જવાનની દીકરીનો વીડિયો વાયરલ કરનાર સામે નોંધાઈ ફરિયાદ
ડીએનએ રિપોર્ટ: કોર્ટે ફટકારી ફાંસીની સજા સમગ્ર મામલે આરોપી સાવકા પિતા વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જે મામલે નડિયાદ સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારાઈ છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે ગર્ભપાત કરાવ્યા બાદ ડીએનએ રિપોર્ટ લીધો હતો જે આરોપીના ડીએનએન સાથે મેચ થતુ હતું. જેથી આમ પુરાવો પણ મહત્વનો બન્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર અને ફરિયાદીએ કોર્ટમાં આપેલી જુબાની પણ મહત્વની બની ગઈ હતી. ઈ.પી.કો.કલમ-376(એ બી)માં ભોગ બનારની ઉંમર 12 વર્ષ કરતા નીચે હોય ત્યારે આરોપીને ફાંસી આપવાની જોગવાઈ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે.