નડિયાદ:સમગ્ર વિશ્વ કોરોના વાઈરસને કારણે અસરગ્રસ્ત છે અને લોકડાઉનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે પ્રજાજનોને વિવિધ હાડમારીઓથી બચાવવા માટે રાજ્યની ધાર્મિક સંસ્થાઓ અને દાતાઓ તરફથી દાનનો અવિરત ધોધ વહી રહ્યો છે.ત્યારે સેવા ધર્મને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર દ્વારા દરરોજ 3000થી વધુ ટિફીનની સેવાઓ આપવામાં આવે છે.
આ મંદિર દ્વારા પ્રજાજનોને 20 કીલોની વિવિધ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. માનવીય ભાવનાઓને મૂર્તિમંત કરવા મહંત રામદાસજી મહારાજની આજ્ઞાથી સંતરામ મંદિરના સેવકો,મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, નગરપાલિકાના સભ્યો અને અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સર્વે કર્યા બાદ વિધવા મહિલાઓ,વડીલો સહિત ખાસ જરૂરીયાતમંદ પરિવારોને પાસ આપવામાં આવશે. આ પાસના માધ્યમથી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજના આશીર્વાદથી તૈયાર થયેલ પ્રસાદી સ્વરૂપ ઘઉંનો લોટ, દાળ-ચોખા,કઠોળ અને તેલ સહિતની જરૂરી ચીજવસ્તુઓ 20 કિલોની માત્રામાં તમે ઘરેબેઠાં પહોંચાડવામાં આવશે.આજ સુધી દરરોજ મંદિર તરફથી ટિફિનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
નડિયાદ શહેરના તમામ વિસ્તારોમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ સિવાય તમામ જરૂરિયાતમંદ પરિવારોને આ કીટ સરળ રીતે પ્રાપ્ત થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેથી હવે જરૂરિયાત મંદોને ઘરે બેઠાં કીટ મળશે.