વડતાલઃ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિરનો ભાવિકોમાં વિશેષ મહિમા રહેલો છે. પ્રતિવર્ષ દેશવિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો વડતાલધામની યાત્રાએ આવી ભગવાન સ્વામીનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વખતે પણ ભાવિકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9 થી 15 નવેમ્બર 2024 દરમ્યાન ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે.
આ પણ વાંચોઃ Easter 2023 : ઇસ્ટર સન્ડેના દિવસે ભગવાન ઇસુનો પુનર્જન્મ થયો હતો
200 વર્ષ પૂરાઃ ભગવાન સ્વામીનારાયણ દ્વારા જાતે વડતાલ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને 200 વર્ષ પુર્ણ થતાં વડતાલ સંસ્થાન દ્વારા 9 થી 15 નવેમ્બર 2024 દરમ્યાન દ્વિશતાબ્દિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. મહોત્સવની ભક્તિપુર્ણ રીતે દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં અનેકવિધ સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ સાથે ભક્તિ સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં નામી અનામી કલાકારો પ્રભુ ગીત ગાઈને લોકોને ભક્તિ સંગીતમાં લીન કરી દેશે. આ માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મંદિર તરફથી પણ ઘણા ભાવિકો તથા સ્વયં સેવકો આ તૈયારીઓમાં લાગી ચૂક્યા છે.
ટપાલ ટિકિટનું અનાવરણ: વડતાલ ખાતે આવતા વર્ષે યોજાનાર દ્વિશતાબ્દિ મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે વડતાલમાં આ અંગે જણાવ્યું હતું કે, દ્વિશતાબ્દિ મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવશે. જોકે, આ તમામ કાર્યક્રમ અંગે સંપૂર્ણ રૂપરેખા તૈયાર થયા બાદ અન્ય કાર્યક્રમોની પણ વિગત મળી રહેશે.
આ પણ વાંચોઃ Sankashti Chaturthi 2023: આ સંકટ ચતુર્થીએ તુલા અને વૃશ્ચિક રાશિને થશે મોટી અસર
પ્રસાદીનું મંદિરઃ વડતાલ મંદિર એ સંપ્રદાયમાં પ્રસાદીનું મંદિર ગણાય છે. એટલે કે તેનું નિર્માણ સ્વયં સ્વામીનારાયણ ભગવાને કર્યુ છે. આ એવું પહેલું મંદિર છે,કે જ્યાં કોઈએ સ્વયં પોતાની મૂર્તિ પોતાના હાથે મંદિરમાં પ્રસ્થાપિત કરી હોય. જેને લઈ સંપ્રદાયમાં આ મંદિરનો વિશેષ મહિમા રહેલો છે. મંદિરના આ મહાત્મ્યને લઈને ખૂબ જ વિશાળ સંખ્યામાં હરિભક્તો રોજ દર્શનનો તેમજ પ્રાત: આરતીનો લાભ લે છે.