- માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના વિડીયોમાં PSIની બદલી સામે રોષ
- રાજ્યમાં પોતાની વાહવાહી કરાવવા SP બેફામ દંડ વસુલતા હોવાનો ધારાસભ્યનો આક્ષેપ
- માતર અને લીંબાસીના PSIએ માસ્કના દંડનો ટાર્ગેટ પુરો ન કરતાં બદલી કરાઇ
ખેડાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના વાયરલ વીડિયોમાં ખેડા SP દિવ્ય મિશ્રને સંબોધી ધારાસભ્ય દ્વારા આક્રોશ વ્યક્ત કરી આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં SP દ્વારા માસ્કનો બેફામ દંડ વસુલવામાં આવે છે. તેમજ માસ્કના દંડનો ટાર્ગેટ પૂરો ન થતા માતર અને લિંબાસીના બે PSIની બદલી કરવામાં આવી હોવાનું ધારાસભ્ય જણાવી રહ્યા છે.
મારા પગારમાંથી મારા વિસ્તારના ચાર પોલિસ સ્ટેશનોમાં પ્રજાને માસ્ક વહેંચો: ધારાસભ્ય
વીડિયોમાં ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી PSIને સંબોધતા આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે, ધારાસભ્યના 1 લાખના પગારમાંથી 30 હજાર રાજ્ય સરકાર કાપી જ લે છે. તમારે લોકોને માસ્ક પહેરાવવા જ હોય તો મારા માતર વિધાનસભા મત વિસ્તારમાં આવતા માતર, વસો,ખેડા,અને લીંબાસી પોલીસ સ્ટેશનોમાં મારા 1 લાખ પગારમાંથી આ તમામ પોલીસ સ્ટેશનમાં માસ્ક વહેંચો.
આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ધારાસભ્યને હાર થવાની બીક
ધારાસભ્યએ SPને સંબોધીને જણાવ્યું કે આખા ગુજરાતમાં કોઈ SP આવી રીતે પૈસા નથી ઉઘરાવતા. તમે તમારૂ નામ વધારવા સરકારમાં બહુ પૈસા જમા કરાવી વાહવાહી લૂંટવાની લ્હાયમાં આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારે હારી જવાનું છે?
લાલઘૂમ કેસરીસિંહ દ્વારા વિડીયોમાં SPની માસ્કના દંડ ઉઘરાવવાની નીતિરીતિની બેફામ ઝાટકણી કાઢવામાં આવી છે. મહત્વનું છે કે ખેડાના તમામ પોલીસ સ્ટેશનોને માસ્કના દંડના ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં માસ્કના દંડના મુદ્દે વધતી ઠંડી વચ્ચે વાતાવરણ ગરમાયું છે.