ખેડા જિલ્લા કલેકટર સુધીર પટેલ ગુરૂવારે વયનિવૃત્ત થયા હતા. તેમનો વિદાય સમારોહનો કાર્યક્રમ નડિયાદમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર તરીકે સુધીર પટેલ સાથે તેઓએ ખુબ ઓછો સમય ફરજ બજાવી છે, પરંતુ તેમનો સરળ સ્વભાવ અને દરેક બાબતને સકારાત્મક રીતે જોવાની કાર્ય પધ્ધતિથી, હું પ્રભાવિત થયો છું. જિલ્લાના વડા હોવા છતા પણ કોઇ જાતનું અભિમાન નહિ. નાના કર્મચારીથી લઇ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા જિલ્લાના નાગરિકોને પણ સંતોષકારક જવાબ અને તેઓની મુશ્કેલીનો સરળતાથી ઉકેલ લાવવાની તેમની કુનેહને બિરદાવવી જ રહી.
જિલ્લા કલેકટર સુધીર પટેલે આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રથમ વખત કદાચ એવું બન્યુ હશે કે, કોઇ અધિકારી નિવૃત્ત થાય અને સરકારના સિનીયર કેબિનેટ પ્રધાનની અધ્યક્ષતામાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.આ માટે હું શિક્ષણપ્રધાનનો ખૂબ ખૂબ આભારી છું. હંમેશા સકારાત્મક વિચારો અને સરકાર દ્વારા મને સોપવામાં આવેલી જવાબદારીઓને ખુબ જ સરસ રીતે નિભાવી શકુ તે માટે પ્રયત્નશીલ રહ્યો છું. મારી ફરજ દરમિયાન સ્ટાફના દરેક કર્મચારીની કાળજી રાખી તેમને ફરજમાં તેમનું શ્રેષ્ઠ પ્રદાન આપવા પ્રોત્સાહિત કર્યા છે. જેના કારણે મારી ફરજો સરળતાથી પુરી થઇ છે. જયારે કોઇ કર્મચારી કે અધિકારી તેની સેવાઓ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય, તો તેમને પ્રોત્સાહિત કરવા જોઇએ તેવું મારૂં અંગત રીતે માનવું છે. જેથી અધિકારી તેમજ સરકાર તે કર્મચારી પાસેથી શ્રેષ્ઠ કામગીરી લઇ શકે. આ પ્રસંગે હું મારી ટીમનો આભાર માનું છું.
નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ આ પ્રસંગમાં સૌની સ્વાગત વિધી કરી હતી. કલેકટર સુધીર પટેલ સાથે અનુભવોનું વર્ણન કરી, કલેકટરને નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા કલેકટરને પુસ્તક ભેટમાં આપી શાલ ઓઢાડીને સન્માનીત કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, મહામંત્રી દશરથભાઇ, પ્રાંત અધિકારી, મામલતદાર તથા મહેસૂલી સ્ટાફ, પોલીસ પરિવારના સભ્યો તથા પત્રકારો ઉપસ્થિત રહયા હતા.