ખેડા: વન્યજીવોની પજવણી કરવી કે તેને હેરાન કરવા પછી એના વિડીયો બનાવવા તે ગુનો બને છે. ખેડા જિલ્લામાંથી આવો જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગુરૂમુખસિંગ રામસીંગ લવારીયા અને હરમાનસીગ સંતોકસીગ દુદાણી નામના બે આરોપી દીપડાની પૂંછડી ઉપાડીને પજવણી કરી રહ્યા હતા. જ્યારે દીપડો જાળીમાં ફસાયો હતો. વન વિભાગમાંથી મળતા રિપોર્ટ અનુસાર આ બંને આરોપીઓ સામે વન વિભાગ એક્ટ અંતર્ગત કાયદેસરના પગલાં લેવાય છે. બંને આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેના રિમાન્ડ મંજૂર કર્યા છે.
"વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે"--વન વિભાગ
સોશિયલ મીડિયામાં વાયરલ: ભૂંડ પકડનાર ટોળકીના બે યુવકો દ્વારા જાળમાં ફસાયેલા દીપડાની પૂંછડી પકડી તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો. જે મામલે વન વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરતાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ બંનેની ધરપકડ કરવામાં આવી છે. ગુરૂમુખસિંગ રામસીંગ લવારીયા અને હરમાનસીગ સંતોકસીગ દુદાણીની ગતરોજ ધોળકા ખાતેથી ખેડા વન અધિકારી પૂછપરછ માટે પકડી લાવ્યા હતા. વન્ય પ્રાણી સંરક્ષણ 1972 ની કલમ મુજબ ધરપકડ કરી હતી.બંને આરોપીઓને ખેડા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.
શુ હતી સમગ્ર ઘટના? વારસંગ ગામે ભૂંડ પકડનાર ટોળકી દ્વારા જાળ નાંખવામાં આવી હતી. જો કે જાળમાં ભૂંડ તો ન પકડાયુ પણ એક સાથે બે દીપડા જાળમાં ફસાઈ ગયા હતા. જેમાંથી એક દીપડો જાળ તોડી ભાગી છૂટ્યો હતો. જ્યારે જાળમાં ફસાયેલા દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પુરી પોલો ફોરેસ્ટમાં લઈ જવાયો હતો. પ્રથમ વખત વિસ્તારમાં એક સાથે બે દીપડા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સમગ્ર ઘટનામાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચતા પહેલા જાળમાં ફસાયેલા દીપડાની પૂંછડી પકડી ભૂંડ પકડનાર ટોળકીના બે યુવકો દ્વારા વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કરાયો હતો. જે મામલે બંને આરોપીઓ વિરુદ્ધ વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો
|
બે પાંજરા મુકાયા: ભાગી છૂટેલો દીપડો ન પકડાતાં ભયનો માહોલ જાળમાં ફસાયેલા દીપડાને તો વન વિભાગ દ્વારા પાંજરે પુરી અન્યત્ર છોડી દેવાયો છે. પરંતુ જાળ તોડી ભાગી છૂટેલો દીપડો હજી પકડી શકાયો નથી. વન વિભાગ દ્વારા ગામના સીમ વિસ્તારમાં બે પાંજરા મુકાયા છે.પરંતુ હજુ દીપડો પાંજરે પુરાયો નથી.જેને લઈ લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે.દીપડાની દહેશતને પગલે લોકોએ ખેતરમાં જવાનું બંધ કરી દીધું છે.ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને શોધી પાંજરે પૂરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.