ખેડા : ખેડા જિલ્લાના ડાકોર પાસેના નેશ ગામેથી બોગસ માર્કશીટ બનાવી વેચવાનું કૌભાંડ ઝડપાયું હતુ. જે મામલામાં બે આરોપીઓને માર્કશીટો સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરાઈ હતી. જે દરમ્યાન સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડોક્ટર અખિલેશ પાંડેને ખેડા એલસીબી દ્વારા દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બોગસ માર્કશીટો સહિતના મુદ્દામાલ સાથે અગાઉ કિરણ ચાવડા અને નયન પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
છટકું ગોઠવી દહેરાદૂનથી દિલ્હી બોલાવ્યો : સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂનના ડો.અખિલેશ પાંડેને ઝડપી પાડવા ખેડા એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં ખેડા એલસીબી પોલીસની ટીમે બોગસ માર્કશીટ કૌભાંડના મુખ્ય આરોપી અખિલેશ પાંડેને પકડવા છટકું ગોઠવ્યું હતું. છટકું ગોઠવીને તેને ઉત્તરાખંડના દહેરાદૂનથી દિલ્હી ખાતે બોલાવી લેવાયો હતો જ્યાં તેને ઝડપી લઇ ધરપકડ કરી હતી. દિલ્હીથી પકડાયેલ મુખ્ય સૂત્રધાર ડૉ. અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું સમગ્ર નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતો. ખેડા એલસીબીની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો Kheda Crime News : ખેડામાંથી બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું, બે લોકોની ધરપકડ
આરોપી શું કરે છે? : મેનેજમેન્ટ ટ્રેનર એવો મુખ્ય સૂત્રધાર ડૉ. અખિલેશ પાંડે શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર
ડો.અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે. તે અગાઉ આણંદ, અમદાવાદ, દિલ્હી તેમજ હરિયાણા જેવા શહેરો અને રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે. આરોપી ડો.અખિલેશ પાંડે ફોન દ્વારા હરીશ શર્મા ઉર્ફે રાજકુમારને માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવતો હતો.રિમાન્ડ દરમિયાન બોગસ માર્કશીટ કૌભાંડના આરોપી પાસેથી મોટા ખુલાસા થઈ શકે છે.
કેટલી બોગસ માર્કશીટ વેચી તેની તપાસ થશે : ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં આરોપીઓએ કોને કોને ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટીફીકેટ આપ્યા છે તેની ખેડા એલસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેમના બેંક સ્ટેટમેન્ટ,કોલ ડીટેઈલ્સ,ઓનલાઈન લેવડદેવડ બાબત તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કેટલા વ્યક્તિઓને અત્યાર સુધીમાં આવી બોગસ માર્કશીટ વેચી છે તેની રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસ કરશે.
વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવાશે : આ મામલા અંગે ખેડા એલસીબી પીઆઈ એ.આર.વેકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર ડો.અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વિસ્તૃત તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. આરોપીઓએ અત્યાર સુધી કોને કોને કેટલી માર્કશીટ વેચી છે, કૌભાંડમાં અન્ય ક્યા લોકો સંકળાયેલા છે તે સહિતની બાબતો અંગે હાલ તપાસ હાથ ધરાઈ રહી છે.
આ પણ વાંચો વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ, આરોપીઓ વધુ અન્ય એક ગુનો પણ નોંધાયો
કેવી રીતે થયો પર્દાફાશ : ખેડા જિલ્લાના ડાકોર પાસેના નેશ ગામે રહેતા કિરણ ચાવડા નામના ઈસમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બોગસ માર્કશીટો બનાવી વેચવામાં આવી રહી છે.તેવી મળેલી માહિતીને આધારે ખેડા એલસીબી દ્વારા તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નેશ ગામેથી ઝડપાયેલા કિરણ ચાવડાના ઘરેથી NIOS તેમજ સ્વામી વિવેકાનંદ સુભાર્થી યુનિવર્સિટી,મેરઠની અલગ અલગ વિદ્યાર્થીઓના નામની 60 જેટલી નકલી માર્કશીટો જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટીફીકેટની જરૂરીયાત ધરાવતા જુદા-જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દિઠ અલગ અલગ રૂપીયા લઇ પરીક્ષા પાસ કરેલ સર્ટી બનાવવામાં આવતા હતા.જે અસલ સર્ટિફિકેટ જણાવી જે તે વિદ્યાર્થીઓને પકડાવી દેતા હતાં.