જાહેર શૌચાલયો ગંદકીથી ખદબદતા જોઇને યુવાન વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે થોડા પાણીથી શૌચાલય સાફ કરવા એક પરવડે તેવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. નડિયાદ પાસેના અલિન્દ્રા ગામે રહેતા અને વિદ્યાનગરની જીસેટ એન્જિનિયરિંગ કોલેજમાં ડિગ્રી એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મિતેશ મારૂએ આ સિસ્ટમ વિકસાવી છે.
હાલ મોલ,મલ્ટિપ્લેકસ અને ફાઈવ સ્ટાર હોટલમાં જોવા મળતી આ સિસ્ટમ ખર્ચાળ હોય છે. પરંતુ આ યુવકે નજીવા દરે છ માસની મહેનતના અંતે આ સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં વીજળીનો પણ ખુબ જ ઓછો વપરાશ થાય છે. ડીસી વોલ્ટથી ચાલે છે જેથી એક સામાન્ય ડીમ લાઈટનો બલ્બ વાપરે તેટલુ જ લાઈટ બિલ આ સિસ્ટમથી આવે છે. સિસ્ટમ ઇલેક્ટ્રોનિક વાલ્વ,સેન્સર તેમજ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગથી તૈયાર કરવામાં આવી છે. સિસ્ટમને ટેસ્ટિંગ માટે એક સપ્તાહ સુધી મંદિરના શૌચાલયમાં રાખી જરૂરી સુધારા વધારા પણ કરાયા છે.
સિસ્ટમ 2000 થી 2500 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. તેમજ આ ઉપકરણમાં વપરાયેલા સ્પેરપાર્ટની છ મહિનાની વોરંટી પણ છે. આ સિસ્ટમનો જાહેર શૌચાલયમાં ઉપયોગ કરવા સાથે પાણીની ટાંકી ભરાઈ જાય એટલે બંધ કરી શકાય તે માટે,ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરવા માટે,ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં મશીનરી ઠંડી કરવા માટે તેમ જ વોટર ટેબ સેન્સરમાં પણ ઉપયોગ કરી શકાય છે અને પાણીની બચત થઈ શકે છે.
મૂળ મોરબીના લુહારીકામ કરતાં સામાન્ય પરિવારમાંથી આવતો મિતેશ બાળપણથી જ અવનવી વસ્તુઓ બનાવતો આવ્યો છે. અત્યાર સુધી તે રોબોટ,ડ્રોન સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવી ચુક્યો છે. જેમાં તેનો પરિવાર મદદરૂપ બને છે. જો કે પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોઈ આગળ વધવા મિતેશને બહારથી પણ સહયોગ- પ્રોત્સાહન મળે તેમ પરિવાર ઈચ્છી રહ્યો છે.