પ્રાચીન સમયથી માં શક્તિની ઉપાસનાનો વિશેષ મહિમા રહેલો છે. નવરાત્રી દરમિયાન આસ્થાપૂર્વક માતાજીની વિશેષ પૂજા અર્ચના કરાઈ છે. જેમાં ભક્તો માતાજી સમક્ષ ફુલારા ગરબાની માનતા માને છે. જે માનતા પૂર્ણ થતાં ફુલારો ગરબો કોરાવવામાં આવે છે. જેમાં ગરબા માથે લઇ શ્રદ્ધાપૂર્વક ગરબા ઘુમવામાં આવે છે. માતાજીના મંદિરે પહોંચીને જ માથા પરથી નીચે ઉતારવામાં આવે ત્યારે જ માનતા પૂરી થઈ હોવાનું ગણાય છે.
આસ્થાના પ્રતીક ગણાતા ગરબા ગ્રામ્ય વિસ્તારોના અનેક કારીગરો માટે રોજગારીનું પણ માધ્યમ બન્યા છે. ફુલારા ગરબા બનાવતા કારીગર દશરથભાઈના જણાવ્યા મુજબ અગાઉથી ઓર્ડર લઈને આ ગરબા બનાવવામાં આવે છે. 1100 રૂપિયાથી લઇ 1500 રૂપિયા સુધી વિવિધ ચાર પ્રકારના ગરબા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે એક કારીગર સિઝનમાં 250 થી 300 ફુલારા ગરબા બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે.
ખેડા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કારીગરો દ્વારા કલાત્મક અને નયનરમ્ય ફુલારા ગરબા બનાવાય છે. ફુવારા ગરબા લાકડા અને વાંસમાંથી બનાવવામાં આવે છે. જેને રંગબેરંગી કાગળથી સજાવવામાં આવે છે જેથી તે રંગીન અને આકર્ષક લાગે છે.