- નગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા હુકમ
- પક્ષ વિરોધમાં કર્યું હતું મતદાન
- અગાઉ પણ 7 સભ્યોને કરાયા હતા સસ્પેન્ડ
ખેડા : ડાકોર નગરપાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખ જ્યોત્સના પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને લઈ ડાકોર નગરપાલિકાના રાજકીય વાતાવરણ ગરમાયું છે.
પક્ષની વિરુદ્ધમાં કર્યું હતું મતદાન
ગત વર્ષે યોજાયેલી ડાકોર નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ્યોત્સના પટેલ દ્વારા પક્ષના મેન્ડેટનો અનાદર કરી પક્ષ વિરૂદ્ધ મતદાન કરવામાં આવ્યું હતું. તેમને અપક્ષ ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. જેને લઈ તેમને નગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા કાયદેસર પગલા લેવા અરજી કરવામાં આવી હતી.
નગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવાયા
અરજીની સુનાવણી બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ નગરપાલિકાના સભ્યપદેથી જ્યોત્સના પટેલને ગેરલાયક ઠરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
અગાઉ પણ 7 સભ્યો સસ્પેન્ડ કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 7 સભ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આજે સોમવારે એક વધુ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવતા નગરપાલિકાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.