ખેડાઃ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ગોઝારી ઘટનાને પગલે રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે ચકાસણી હાથ ધરાઈ રહી છે, ત્યારે ખેડાની કોવિડ હોસ્પિટલમાં મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. મુખ્ય કોવિડ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ છે અને કટોકટીના સમય માટે સાધન સજ્જ હોવાનું જોવા મળ્યું હતું. તેમ છતાં તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ ખાતે ફાયર સેફટીની સુવિધા અંગે ચકાસણી કરવામાં આવશે.
ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના હાલ કુલ 99 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી મોટાભાગના એટલે કે 71 જેટલા દર્દીઓ નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બાકીના દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે. સરકારી ગાઇડલાઇન મુજબ હાલ તો બંને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ બનાવેલી જ છે. નડિયાદની સિવિલ હોસ્પિટલ તેમજ એન.ડી.દેસાઈ હોસ્પિટલ આગની કટોકટીના સંજોગોને લઈ સાધન સજ્જ હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શહેરના ફાયર સ્ટેશનથી પણ બંને હોસ્પિટલ લગભગ 2 કિલોમીટરના અંતરે જ આવેલી છે. તંત્ર દ્વારા ઠાસરા ખાતે તેમજ તાલુકા કક્ષાએ અન્ય કોવિડ હોસ્પિટલ ફાળવવામાં આવી છે, ત્યાં ફાયર સેફટી અંગેની ચકાસણી કરી તે અંગેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તંત્ર દ્વારા ચોક્કસ માહિતી આપવામાં આવી નથી, પરંતુ ફાયરસેફટી સુવિધા અંગે શહેરમાં હોસ્પિટલમાં ચકાસણી શરૂ કરવામાં આવી છે. તેમજ તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ જણાવાઈ રહ્યું છે.
કોરોનાના દર્દીઓમાં વધારો થતાં જિલ્લામાં કપડવંજ, મહેમદાવાદ અને ઠાસરા જેવા તાલુકા મથકોએ પણ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કોઈ દર્દી હાલ દાખલ નથી. જો કે ત્યાં પણ તંત્ર દ્વારા ચકાસણી બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.