યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના ઓફિશિયલ લેટરપેડ પર ચાર ટ્રસ્ટીઓના નામ અત્યાર સુધી જોવા મળી રહ્યાં હતા. પરંતુ અચાનક તેમાંથી ટ્રસ્ટીઓના નામ ગાયબ થઇ ગયા છે. ટેમ્પલ કમિટીના ઓફિશિયલ લેટરપેડ પરથી મેનેજરો દ્વારા ટ્રસ્ટીઓના નામ ગાયબ કરવામાં આવ્યા હોવાના સેવકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને સોશિયલ મીડિયામાં યાત્રાધામની ચર્ચાઓ શરૂ થઇ છે. જેથી સ્થાનિક સેવકો દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત મેનેજરોની નિમણૂક સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
નિયમ મુજબ ડાકોર ટેમ્પલ ટ્રસ્ટમાં પાંચ ટ્રસ્ટી હોય છે, તેમજ બે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા અન્ય ટ્રસ્ટીઓને હટાવવા માટે મેનેજર દ્વારા ગેરકાયદેસર વહીવટ કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંદિરના સેવક પુજારીના જણાવ્યા અનુસાર આ અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઇ ધ્યાન અપાયું નથી.
આ અંગે મેનેજરે આક્ષેપોને વખોડી જણાવાયું કે, લેટરપેડ જુના ફોર્મેટ મુજબ છપાવ્યા છે જેથી નામ લેટરપેડ પર નથી. પરંતુ અમે નવા ફોર્મેટ પ્રમાણે છપાવીશું જેમાં તેમના નામ હશે. તેમજ મેનેજરની નિમણુક અંગે જણાવ્યું હતું કે, ટેમ્પલ કમિટીની સ્કીમ મુજબ જ નિમણૂક કરવામાં આવી છે.