- યાત્રાધામ ડાકોર બન્યું કૃષ્ણમય
- જન્મોત્સવને વધાવવા મંદિર પરિસર શણગારવામાં આવ્યું
- મધરાતે ઉજવાશે જન્મોત્સવ
ખેડા- કૃષ્ણનગરી ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદથી ડાકોર ગુંજી ઊઠયું છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે આજે ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. વહેલી સવારે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતી સાથે જ દર્શન શરૂ થયા છે. ભાવિકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ રહ્યા છે.
આ પણ વાંચો- યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી
જન્મોત્સવને વધાવવા મંદિર પરિસર શણગારાયું
જન્માષ્ટમી પર્વને લઇને બે દિવસથી મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે. મંદિરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. ડાકોર ગોકુળ, વૃંદાવન જેવું ભાસી રહ્યું છે. રાત્રીના 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. તે સાથે જ ભગવાન રણછોડરાયજીને કિંમતી આભૂષણ પહેરાવવામાં આવશે અને મુગટ ધરાવવામાં આવશે તેમજ ગોપાલ લાલજી મહારાજને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે.
આ પણ વાંચો- જન્માષ્ટમી પ્રસંગે આણંદના સંગીત પ્રેમી બાળકોએ શ્રીકૃષ્ણનુ સુંદર ભજન કર્યું રજૂ
જન્મોત્સવની રંગેચંગે ઉજવણી
મધરાતે કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે, જે વહેલી સવાર સુધી ચાલશે. જેને લઇને જન્મોત્સવની ઉજવણી કરવા ભક્તો તત્પર બન્યા છે. જન્માષ્ટમીને લઈ મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.