માહિતી પ્રમાણે, મહુધા તાલુકાના ચુણેલ ગામમાં 2017ના વર્ષમાં ચોમાસાના વરસાદમાં પવનને કારણે બલાડી રોડ પર 4 જેટલા બાવળના વૃક્ષ પડી ગયા હતા. જેને સરપંચ અને તલાટી દ્વારા પરવાનગી વગર બારોબાર વેચી દેવામાં આવ્યા હતા. જો કે, બાવળના વેચાણમાંથી ઉપજેલ ૬ હજાર રૂપિયાની રકમને ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવી હતી. જે અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચુણેલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શારદાબેન દિલીપભાઈ ચૌહાણને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
આ કેસમાં ચુણેલ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી મેળવી નિયમાનુસાર બાવળોની હરાજી કરવામાં આવી હતી. જે બાબત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલ રિપોર્ટમાં દર્શાવવામાં આવી નહોતી. જેથી વિકાસ કમિશ્નર દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના હુકમને રદ્દ કરવામાં આવ્યો હતો.