- મુખ્યદંડકના હસ્તે 4 લાખનો મૃત્યુ સહાય ચેક અર્પણ કરાયો
- જિલ્લામાં વાવાઝોડાને કારણે 2 વ્યક્તિના મોત થયા હતા
- અગમચેતીના પગલાં લેવાતા જીલ્લામાં મોટું નુકશાન નિવારી શકાયું: મુખ્યદંડક
ખેડા: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ નડીયાદના ભીલવાસ, કનીપુરા ખાતે રહેતા અને વાવાઝોડામાં વીજ કરંટ લાગવાથી ગુજરી ગયેલ સ્વ. તારાબેન ગણેશભાઇ ભીલના પતિ ગણેશભાઇ ભીલને સરકાર દ્રારા મળેલ સહાયના 4 લાખનો ચેક અર્પણ કર્યો હતો.
અગમચેતીના પગલા લેવાતા જિલ્લામાં મોટું નુકસાન નિવારી શકાયું: મુખ્યદંડક
દંડકે જણાવ્યું હતુ કે, વડાપ્રધાને પણ મૃતકોને સહાયતાની જાહેરાત કરી છે તે રકમ પણ ટુંક સમયમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની અગમચેતીરૂપે આ વાવાઝોડામાં વધુ નુકસાની ન થાય તે માટે અનેક પગલાં લીધા હતા. જેથી ખેડા જિલ્લામાં મોટા નુકસાનને નીવારી શકાયું છે.
આ પણ વાંચો: વલસાડમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી
જિલ્લામાં સર્વે કરી અસરગ્રસ્તોને નુકસાનના વળતરની ખાતરી
રાજ્યમાં વાવાઝોડાએ તબાહી મચાવી હતી. સાયક્લોનના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાવાઝોડાને લઇને અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનની ભરપાઇ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ સહાયની જાહેરાત કરી છે. આ વાવાઝોડાની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી હતી. જેમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ કેટ કેટલાય લોકો ઘર-વિહોણા થઇ ગયા હતા. રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરતા જ તમામ જગ્યાએ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર આઇ. કે. પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ થયેલ નુકસાન અંગેનો તાગ મેળવી અસરગ્રસ્ત લોકોની વાત સાંભળી તેમના નુકસાનનું વળતર મળશે તેવી ખાતરી આપી હતી.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાનના પગલે કૃષિ પ્રધાન ફળદુની પત્રકાર પરિષદ
કલેક્ટર સહિત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
સ્વ. તારાબેનના પતિ ગણેશભાઇએ મૃત્યુ સહાયનો ચેક સ્વીકારતા દંડક પંકજભાઇ દેસાઇ, કલેક્ટર આઇ.કે.પટેલ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આઇ. કે. પટેલ, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી એમ.કે પ્રજાપતિ, મામલતદાર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.