ખેડા: જિલ્લાના ડાકોરમાં એક મકાનમાંથી 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવવાની ઘટના બનવા પામી છે. ડાકોર પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બહારથી તાળું મારેલા મકાનમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલો આકસ્મિક મોત, હત્યા કે આત્મહત્યાનો છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક રાજસ્થાની બ્રાહ્મણ પરિવારના: ડાકોરમાં ભગતજીન સ્વાગત હોમ ખાતે આવેલા મકાન નંબર એ 304માં આ ઘટના બનવા પામી છે. જેમાં રહેતા મૂળ રાજસ્થાની બ્રાહ્મણ 75 વર્ષિય જગદીશચંદ્ર જમનાલાલ શર્મા તેમના પરિવાર સાથે રહે છે. તેમનો મૃતદેહ મકાનના ઉપલા માળેથી મળી આવ્યો છે. જો કે હાલ તેમના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલાયો: આ બાબતે જાણ કરવામાં આવતા ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે. હાલ પોલિસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.
'મૃતદેહનો કબજો લઈ અમદાવાદ ફોરેન્સીક લેબોટરીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ આવ્યા બાદ આગળની તપાસ થશે હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.' -વિરેન્દ્રસિંહ મન્ડોરા, પોલીસ ઇન્સ્પેકટર, ડાકોર
મકાનને બહારથી તાળું માર્યું હતું: પ્રાપ્ત વિગતો મુજબ મૃતક જે મકાનમાં રહેતા હતા અને જ્યાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો તે મકાનને બહાર તાળું મારેલું હતું. મકાનના નીચેના માળે તેમના પુત્ર અને પુત્રવધૂ રહે છે. જેઓ ત્રણ દિવસથી મૃતક ગુમ હોઈ તેમની શોધ કરી રહ્યા હતા. મકાનને ખોલા અંદર તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ હત્યા કરવામાં આવી હોવાની આશંકા પણ પોલિસ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.