સાબરકાંઠા: સામાન્ય રીતે એક પિતાને સૌથી વધુ વ્હાલ તેની દિકરી પ્રત્યે હોય છે, સાથોસાથ દિકરી એ વ્હાલનો દરીયો ગણાય છે, જોકે સાબરકાંઠાના હિંમતનગરમાં પિતા-પુત્રીના આ સંબંધો જાણે કે પૂર્ણતાના આરે હોય તેમ એક પિતાએ જ પોતાની દીકરીનો સોદો કર્યો હોવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
હિંમતનગરમાં સગા બાપે જ સગીર વયની દીકરીને વેચી દીધી હોય તેવી ઘટના સામે આવી છે. જોકે કોર્ટના આદેશ બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તજવીજ હાથ ધરીને છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે સગીર વયની દીકરીને રાજસ્થાનથી બચાવી લેવામાં આવી છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં છ માસ અગાઉ સતત 5 મહિના સુધી સગીર દીકરી સ્કૂલમાં જતા સ્કૂલના શિક્ષક દ્વારા આ મામલે પરિવાર સહિત શિક્ષણ કચેરીએ જાણ કરી હતી. જોકે ત્યારબાદ સગીર વયની દીકરીના માતાએ સ્થાનિક કોર્ટમાં દીકરી મામલે રજૂઆત કરતા કોર્ટે પોલીસને ફરિયાદ લેવાનો હુકમ કર્યો હતો. જો કે છ મહિના બાદ હિંમતનગરના એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાયાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો હતો, તેમજ રૂપિયા 60 હજાર ઉછીના લેવા મામલે ત્રણ લાખમાં દીકરીને રાજસ્થાનમાં વેચી નખાઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી.
જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિગતો રજૂ કરતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર સર્જાયો છે, જે અંતર્ગત દીકરીના પિતા તેમજ તેના કાકાએ પૈસા મેળવવા માટે રાજસ્થાનમાં દીકરી વેચી હોવાનું ખુલ્યું હતું તેમજ આ મામલે રૂપિયા ચાર લાખમાં દીકરીનો સોદો કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેમાં દીકરીના પિતા સહિત તેના નજીકના સંબંધીઓ જ આરોપી હોવાનું ખુલ્યું છે, જેના પગલે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે.