ખેડા: આજથી ગ્રામિણ ડાક સેવકો દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. કામના કલાકોમાં વધારો, પેંશન, પ્રમોશન, ગ્રેજ્યુઈટી સહિતની વિવિધ માગણીઓને લઈને યોજાઈ રહેલી આ અચોક્કસ મુદતની હડતાળમાં ખેડા જીલ્લાના લગભગ 200 ઉપરાંત ગ્રામિણ ડાક સેવકો જોડાયા છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ સેવા પ્રભાવિત થવા પામી છે. મહત્વનું છે કે ટપાલ વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામિણ ડાક સેવકો (GDS) દ્વારા ટપાલ સેવાઓ પુરી પાડે છે.
જીલ્લામાં 200 ઉપરાંત કર્મચારીઓ જોડાયા: ઓલ ઈન્ડિયા જીડીએસ યુનિયન ખેડા જીલ્લાના પ્રમુખ રામભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે અમારી વિવિધ માગણીઓને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડા જીલ્લામાંથી આજે પ્રથમ દિવસે 200 ઉપરાંત કર્મચારીઓ જોડાયા છે. આગામી દિવસોમાં જીલ્લામાં હજી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાશે.
વિવિધ માંગણીઓ: ગ્રામિણ ડાક સેવકો દ્વારા વિવિધ માંગોને લઈ આજથી અચોક્કસ મુદ્દતની દેશવ્યાપી હડતાલ શરૂ કરવામાં આવી છે. જેમાં 8 કલાક નોકરી આપવી, 12,24,36 ની નોકરી પ્રમાણે ઈન્ક્રીમેન્ટ લાગુ કરવું, નિવૃત્તિ સમયગાળામાં 5 લાખ ગ્રેજ્યુઈટી આપવી, મેડીકલ ફેસીલીટી 5 લાખ આપવી, ટાર્ગેટ બાબતમાં માનસિક દબાણ કરવું નહી, કામના ભારણને ધ્યાનમાં લીધા વિના રજા પર હોય ત્યારે GDS ની જગ્યાએ અવેજી વ્યવસ્થાને મંજુરી આપવા જેવી માંગણીઓને લઈ હડતાલ યોજાઈ રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ સેવા પ્રભાવિત: ગ્રામિણ ડાક સેવકોની હડતાલ શરૂ થતાં જીલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ સેવાઓ પ્રભાવિત થઈ છે. જો કે હડતાલને પગલે ટપાલ વિભાગ દ્વારા સેવાઓ યથાવત રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.