ખેડાઃ કોરોના વાઈરસના વધતાં સંક્રમણને લઈ લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ ખેડા જિલ્લામાં છૂટછાટો અને પ્રતિબંધો અંગેની સૂચનાઓને લઈને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ દ્વારા લોકડાઉન 4ને લઇ માર્ગદર્શિકા મુજબ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં 25 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે તે સિવાયનો વિસ્તાર નોન કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરાવામાં આવ્યો છે. જિલ્લામાં ખેડા, નડિયાદ, કપડવંજ, મહેમદાવાદ, મહુધા સહિતના તાલુકાઓમાં વિવિધ કન્ટેઈન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યાં છે.
આ કન્ટેઈન્ટમેન્ટ એરિયામાં આવશ્યક ચીજવસ્તુ અને સેવાઓની જ છૂટ આપવામાં આવેલી છે. જ્યારે તે સિવાય જિલ્લાના નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં મોટાભાગની તમામ છૂટછાટો આપવામાં આવી છે. જ્યાં તમામ પ્રકારની દુકાનો સવારે આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી વ્યાપારીઓ ખુલ્લી રાખી શકશે. તેમજ દુકાનો માટે ઓડ ઈવન પદ્ધતિથી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તે માટે નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નડિયાદ શહેરમાં શાકભાજીના ફેરિયાઓ અને વિક્રેતાઓ માટે ફરજીયાત મેડિકલ હેલ્થ કાર્ડ કઢાવવાનું રહેશે.