કલેકટરએ વધુ જણાવ્યું હતું કે, આ કરુણા અભિયાન દરમ્યાન પતંગોના કારણે જે પક્ષીઓ ઘાયલ થાય છે તેઓને તાત્કાલિક સારવાર મળે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અન્વયે જિલ્લામાં ૧૮ વેટરનીટી હોસ્પિટલોમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. નડિયાદમાં ડુમરાલ ખાતે ખાસ બેઝ હોસ્પિટલની કામગીરી કરવામાં આવનાર છે. ૧૦ જેટલા ખાસ વાહનોની પણ ફાળવણી પણ કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓની જાણકારી માટે ૧૯૬૨ ટોલ ફ્રિ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર જેટલી ફરિયાદો આવશે તેવા ઘાયલ પક્ષીઓને સારવાર ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ કરવામાં આવશે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ૮ જેટલી રેન્જ ઓફિસ ઉપર ૮ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. આ કન્ટ્રોલ રૂમો તા.૧૦/૧/૨૦૨૦ થી તા.૨૦/૧/૨૦૨૦ સુધી કાર્યરત રહેશે. આ સમય દરમિયાન મળેલ ફરિયાદોવાળા ઘાયલ પક્ષીઓની સારવારનું આયોજન પણ રેન્જ ફોરેસ્ટ સેન્ટર પર કરવામાં આવેલું છે. જન જાગૃતિ માટે શાળાઓમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલ છે.
નવતર પ્રયોગ તરીકે નડિયાદ, માતર અને ખેડામાં જે લોકો ઉત્તરાયણ પછી ઝાડ, મકાન, રોડ અને વાયરો ઉપર ભરાયેલા દોરાઓ ભેગા કરીને તા.૧૫ થી તા.૨૦ સુધીમાં ઉત્તરાયણના દોરા નકકી કરેલા સેન્ટરો ઉપર જમા કરાવશે તો તેઓને એક કિલો દોરીની સામે રૂા.૧૦૦/- પુરસ્કાર રૂપે આપવામાં આવશે. આમ કરવાથી ઉત્તરાયણ પછી ભરાયેલા દોરોઓમાં પક્ષીઓ ફસાય ન જાય તેમજ તેઓને ઇજા પહોચવાની શકયતાઓ ખુબ ઘટી જશે. ગત વર્ષે આ પ્રયોગ માતર તાલુકામાં કરવામાં આવ્યો હતો તેમા સારૂ પરિણામ મળેલ હતું.
કલેકટરે પતંગ રસિયાઓને અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, પક્ષીઓના વિહારના સમય એટલે કે સવારે ૯/૦૦ કલાક પહેલા અને સાંજના પ/૦૦ કલાક પછી જો પતંગો ઓછી ઉડાડવામાં આવે તો પક્ષીઓને ઇજા થવામાં ઘણો ઘટાડો થઇ શકે. બેઠકમાં અધિક નિવાસી કલેકટર રમેશ મેરજા, એ.સી.એફ એન. એસ. પટેલ, નાયબ પશુ નિયામક વી.કે.જોષી, આર. એફ.ઓ એન. એ. વણકર હાજર રહ્યા હતા.